357માંથી 300 કિ.મી. નર્મદા નહેર તૈયાર
                                                                    નવીન જોશી દ્વારા  નર્મદા નહેર, તા. 20 : આવતા 100 વર્ષ સુધી કચ્છનું ભાવિ જેની સાથે જોડાવા જઈ રહ્યું છે એ રાધનપુરના સલીમગઢ પાસેથી કચ્છ શાખા નહેર એવું નામ ધરીને મઢુત્રાથી નાના રણને પાવન, પુલકિત કરીને રાપર તાલુકાના ખેડૂતોના હૈયે હરખના હિલોળા જગાવતી-જગાવતી ભુજ-ભચાઉ રાજ્ય ધોરીમાર્ગને ઊભો ચીરીને ગાંધીધામની જીવાદોરી સમા અંજાર તાલુકામાં આવેલા ટપ્પર ડેમને 31મી મે 2017 સુધી ભરી દેનારી નર્મદાની નહેર, કચ્છની ભાગ્યવિધાતા એવી નહેરના કાંઠે-કિનારેથી `કચ્છમિત્ર'એ આદરેલી પરિક્રમામાં આપણે આજે `ટપ્પર' ડેમમાં જ્યાંથી પાણી જશે એ હેડ રેગ્યુલેટર (એચ.આર.)થી આગળ વધીશું.  આમ તો એચ.આર. અર્થાત્ હેડ રેગ્યુલેટર કે જ્યાંથી આગળ ઉપર પાણીનો કેટલો જથ્થો મૂકવો કે અટકાવવો એ નિયમન સ્થળ હોય કે `સાયફન' અર્થાત્ ભોંયરું હોય એ ઇજનેરી શબ્દો છે પણ આપણે જ્યારે 4500 કરોડની એક ઐતિહાસિક નહેરના બાંધકામની વાત કરતા હોઇએ ત્યારે આવા શબ્દો અને તેમના વજૂદની વાત પણ ધ્યાનપૂર્વક જોવી-સાંભળવી પડે... આ પરિક્રમામાં આવતા પુલિયા અને એચ.આર. તથા સાયફન અંગે ઇન્ચાર્જ અધીક્ષક ઇજનેર બી. શ્રીનિવાસનને પૂછતાં તેમણે મહત્ત્વનો ઘટસ્ફોટ કર્યો કે સિમેન્ટના બાંધકામ દરમ્યાન થતા ખર્ચનો સૌથી વધુ હિસ્સો આ પુલ, એચ.આર. અને સાયફન પર જ થયો છે.  357 કિ.મી. લાંબી આ યોજનામાં દર 10થી 12 કિ.મી. એક સી.આર. અર્થાત્ ક્રોસ રેગ્યુલેટર આવે. એક સી.આર. બંધ કરી દેવાય તો પાણી આગળ ન વધે પણ જમા થાય અને બે સી.આર. વચ્ચેની નહેર સ્વિમિંગ પુલની જેમ ભરાઇ જાય ત્યારે એચ.આર. (હેડ રેગ્યુલેટર) ખોલીને પાણીને ધાર્યા વેગથી ધારી દિશામાં વાળી શકાય. મુખ્ય નહેરને જોડતી જે નાની નહેરો બને તેમાં આ એચ.આર. પાણી ઠાલવે અથવા ઠલવાતું બંધ કરે.  નહેરના રૂટ પર જો કોઇ નદીનું વહેણ આવતું હોય તો એ કુદરતી જળસ્રોતને વચ્ચે નહેર બાંધીને અવરોધી શકાય નહીં તેથી આવા સ્થળે નદીના સામસામે આવેલા ઊંચા છેડા પરથી નહેરને ભોંયરું બનાવી જમીનની અંદરથી બીજા ઊંચા છેડા પર લઇ જવાય. આ ભોંયરું એટલે સાયફન. 357 કિ.મી.માં જ્યાં જ્યાં નદી-વોકળા વહેણ આવ્યા ત્યાં નાના-મોટા સાયફન બન્યા છે. આ સાયફન ઇજનેરી કૌશલ્યનો એક ઉત્તમોત્તમ નમૂનો છે. મસમોટી નહેરનું પાણી સાયફનમાં જાય એટલે અલોપ થઇ જાય અને સામે ઊંચા બીજા છેડેથી નીકળીને પુન: નહેરમાં આવી જાય.  સરદાર સરોવર નર્મદા નિગમના બાહોશ ઇજનેરોની મદદથી દુનિયાના બીજા નંબરના મોટામાં મોટા સાયફને ટપ્પર પાસે આકાર લીધો છે. નિગમના એક્ઝિ. ડાયરેકટર મુકેશ ઝવેરી તો સાયફનની સફળતાનું શ્રેય નિગમના ઇજનેરોને આપે જ છે પણ સાથોસાથ અશિક્ષિત અને ખૂબ અનુભવી એવા કોન્ટ્રેકટર અરજણભાઇ રબારી (લક્ષ્મી કન્સ્ટ્રકશન)ને પણ  ભૂલતા નથી. આ ઠેકેદારે 1800 મીટરની લંબાઇ # 4.85 મીટરની પહોળાઇવાળું આ સાયફન ખૂબ જ ઝીણવટપૂર્વક જોઇએ તેવું જ બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આખી આ યોજનામાં સૌથી મોટું સાયફન ઝઝામ ગામ પાસે બન્યું છે, જે અઢી કિ.મી. સુધી ભૂગર્ભમાં વહે છે જ્યારે ટપ્પર સાયફન બે કિ.મી. ભૂગર્ભમાં વહીને પુન: ગાંધીધામ તરફ જતી નહેરમાં પાણી ઠાલવે છે. જો આ સાયફનના બદલે નહેર બનત તો બે દીવાલ માટે દસ લાખ ઘનફૂટથી વધુ માટીની જરૂર પડત અને આટલી માટીવાળું બાંધકામ ભૂકંપ ઝોન પાંચમાં હિતાવહ ન હોવાથી 127 કરોડ રૂા. ખર્ચીને ભૂગર્ભમાં રસ્તો બનાવી દેવાયો. આ સાયફન પ્રવાસન કેન્દ્ર બને તેટલી તમામ શક્યતાઓ ધરાવે છે. કમસે કમ બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા, ઇજનેરી છાત્રોએ તો આ સ્થળની મુલાકાત લેવી જ જોઇએ.  નહેરના કાંઠે-કાંઠે નહેરનું બાંધકામ જોતાં વિગતો મેળવતાં ખારા પસવારિયા અને મેઘપર (બો.) વચ્ચે પહોંચતાં જ આપોઆપ અટકી જવાયું... ઇજનેરો મૂંછમાં મલકતા હતા અને અમે પ્રથમ વખત જ આ સ્થળે પહોંચેલાઓની આંખો આશ્ચર્યચકિત હતી. નહેર જેવી નહેરનું કલાત્મક બાંધકામ થઇ ગયું હતું પણ સામે નહેર નહોતી તેના બદલે ત્રણ માળનું બિલ્ડિંગ શોભતું હતું. જંગલની વચ્ચે સૂના સીમાડામાં આ શું ?  નર્મદા નિગમના કચ્છ સ્થિત ચીફ ઇજનેર વી.પી. ગુપ્તા, અધીક્ષક ઇજનેર શ્રીનિવાસન અને બે કાર્યપાલક ઇજનેર બી. જે. પટેલ તથા એમ.આર. બરજોડે મળીને આ બિલ્ડિંગનું રહસ્ય ખોલ્યું. મેઘપર (બો.)થી નદીનું વહેણ નહેરનાં બાંધકામમાં પણ સલામત રાખવું હતું તેથી એકીસાથે 32 બોગદા તૈયાર કરાયા. વરસાદી પાણી આ બોગદામાંથી વહીને નીકળી જાય. વરસાદ ન હોય ત્યારે જાનવરો પણ નીકળી શકે, ખેડૂતો પણ જઇ શકે. કુદરતી વહેણ માટેના એ 32 બોગદા પર પૂરેપૂરી નહેરને બેસાડવામાં આવી. એટલું જ નહીં આખા 357 કિ.મી.ની નહેરના માર્ગમાં માત્ર આ સ્થળે જ નહેરની બંને તરફ મોટો વિશાળ રસ્તો પણ બાંધી દેવાયો. ગણજો વરસાદી પાણી, તેના ઉપર નહેરનું પાણી અને તેના પરથી ભારેખમ વાહનો ડબલ ડેકર નહીં પણ ત્રિપલ ડેકર બાંધકામ.  આ બાંધકામ ઈજનેરી નિપુણતાનું એક જબરદસ્ત ઉદાહરણ છે. આખું કન્સ્ટ્રકશન  165 મીટર લાંબું, 17.50 મીટર પહોળું અને 6.50 મીટર ઊંચું છે. બે માર્ગ સાત મીટર અને પાંચ મીટરના છે. આ ડબલ જળવહન કરતા સ્થાપત્યને પણ એક વખત નજરોનજર ચોમાસામાં નદી વહેતી હોય ત્યારે જોવા જેવું છે.   અહીંથી અમારી ટુકડી આગળ વધી. કચ્છમાં કયાંયે ખાનગી કંપની આ નહેરના નિર્ધારિત રૂટ પર નથી આવતી પણ સામે જોયું તો આખેઆખી વેલસ્પન કંપની ઊભી હતી. ડાયરેકટર શ્રી ઝવેરીએ વિસ્તારથી વાત કરતાં કહ્યું કે એકમાત્ર વેલસ્પન કંપની નહેરના માર્ગમાં અવરોધક હતી તેથી કંપનીને તેનું બાંધકામ હટાવવા તાકીદ કરવામાં આવી પણ ઈજનેરો તથા કંપનીએ રસ્તો કાઢયો, નહેરના પ્રવાહને સહેજ વળાંક અપાય અને પછી સીધી લઈ લેવાય તો કંપનીના બાંધકામ તોડવા ન પડે. આ વળાંક માટે જે ખર્ચ થાય તે કંપની ભરે. વેલસ્પને એક કરોડથી વધુ રકમ નિગમમાં જમા કરાવી અને કંપનીના માળખાને અડીને નહેર પસાર થઈ ગઈ સીધી ગાંધીધામ નેશનલ હાઈવે સુધી.   ગાંધીધામના ટિમ્બરના શો-રૂમ પાસેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રેલવે બ્રિજના લીધે કામ અટકયું છે પણ સામે ઉકરડામાંથી ચોખ્ખી ચણાંક નહેર આગળ ધપે છે જે સીધી શિણાયમાં અટકે છે. નર્મદા નહેર જ નહીં પણ રેલવેના મોટામોટા બાંધકામોના કોન્ટ્રેકટ પેઢી દર પેઢીથી લેતા આવેલા કચ્છ ગુર્જર ક્ષત્રિય તથા સોરઠિયા સમાજની વસ્તીવાળા શિણાય ગામમાં નહેરને વિઘ્ન નડયું છે. અહીં 96 ખેડૂતોની જમીન પરથી નહેર નીકળતી હતી. 16 જણે પોતાની જમીન આપી દીધી, 80 જણે વળતર ઓછું હોવાના બહાના સાથે ઈન્કાર કર્યો. નવા ભાવ મુકરર થયા તો ખેડૂતો નહેરની જગ્યા બદલાવવાની માંગ સાથે હાઈકોર્ટમાં ગયા. અદાલતે જગ્યા બદલવાનો ઈન્કાર કર્યો, હવે કેન્દ્ર સરકારે બહાર પાડેલા નવા આદેશ ચાર જંત્રીના ભાવની માંગ સાથે ખેડૂતો જમીન આપતા નથી એટલું જ નહીં જે 16 જણ માની ગયા હતા અને વળતર લઈ લીધું હતું તે પણ હવે ચાર જંત્રીના નવા ભાવ માગતાં કોકડું ગૂંચવાયું છે અને તે ઉકેલાશે નહીં ત્યાં સુધી તમામ બાંધકામો વચ્ચે પણ નર્મદાના નીર આગળ વધશે નહીં. શિણાય ડેમ નહેરનાં પાણી આવશે ત્યારે ભરી દેવાશે. ત્યાં સુધી વરસાદ પર જ ભરોસો રાખી ખેડૂતોને બેસવું પડશે.   વિતેલા બે દિવસથી ચાલતી આ પરિક્રમા રૂપી રઝળપાટ દરમ્યાન એ પણ જાણવા મળ્યું કે શિણાયની જે જમીનો નહેરમાં આવી જાય છે એ જમીનો પરની ફળદ્રુપ માટી ખેડૂતો ખોદીને લઈ ગયા છે. ખેડૂતોએ માટી ઉઠાવી એ પરથી સાફ થાય છે કે તેઓ આજે નહીં તો કાલે જમીન તો આપશે જ. શિણાય નિગમની અમુક પોલ પણ જાણે છે તો નિગમ પણ અહીં સમજાવટથી જ આગળ વધવામાં માને છે. જો શિણાય ગામની જમીન મળી જાય તો નર્મદાના પાણી સીધા મુંદરા તાલુકાના પ્રાગપર ગામે પહોંચી શકે તેમ છે. કારણ કે દેવરિયા, બિટ્ટાવલાડિયા (પશ્ચિમ), ભદ્રેશ્વર, વવાર, વીરાવલાડિયા સુધીની નહેર તૈયાર છે. વવાર ગામે નિગમને નહેર માટે જમીનો આપી પણ હવે તેઓ એક વધુ પુલ માગે છે અને અગાઉ પણ ગામની નર્મદા પ્રત્યેની લાગણી એટલી તો તીવ્ર હતી કે, પોલીસ રક્ષણ હેઠળ નહેરનું બાંધકામ કરાયું.... વવાર પહોંચીને  જ્યારે ઈજનેરો સાથે ચર્ચા કરી ત્યારે જાણવા મળ્યું કે વવાર સુધી 29 સાયફન છે. વવાર નદી પર પણ એક સાયફન શોભે  છે. ભચાઉથી મોડકુબા સુધી 125થી વધુ સાયફન છે.   નર્મદા નિગમે નહેર બાંધકામ વખતે શરત રાખી છે કે દર દોઢ કિ.મી. નહેર પરથી એક પુલ અવરજવર માટે અપાશે. જો વધુ જોઈએ તો જે તે ગામે કુલ ખર્ચના 15 ટકા લોકફાળાની રકમ આપવી.   મુંદરાના ભારેખમ વિકાસ બાદ ઊભી કરાયેલી મોખા ટોલટેકસ કચેરી વિવાદમાં રહી છે પણ એ ટોલનાકાથી સહેજ જ આગળ વધતાં  ધોરીમાર્ગ ઓળંગીને આવતી નહેરને એક મારબલ ફેકટરીનો ખૂણો નડતરરૂપ બન્યો છે. ફેકટરી માલિકે આ જમીન કચ્છ કલેકટર પાસેથી ખરીદી છે અને જમીન નર્મદા નિગમની છે. અહીં પણ કામ ચાલુ થઈ શકતું નથી પણ નિગમ ખેડૂતો જેટલી દરિયાદિલી ઉદ્યોગ કે ખાનગી બિનખેતી થયેલી જમીન પર બતાવવાના મૂડમાં નથી. કચ્છમાં મુંદરા તાલુકો એટલે હરિયાળો તાલુકો, ઘેઘુર વાડીઓ,  શોભતા ખેતરો અને ધબકતા ઉદ્યોગો વિકાસના જેટ વિમાન પર સવાર મુંદરા તાલુકાના ખેડૂતો નર્મદા નહેર માટે જમીન આપવાના મુદ્દે બે ભાગમાં વહેંચાઈ ગયા છે. વવાર, મોખા,  ભુજપુર, સમાઘોઘા આદિ ગામોના અનેક ખેડૂતોએ સંપાદનમાં જમીનોના ભોગે સહકાર આપ્યો છે. આવા જ એક ખેડૂતનો માર્ગમાં ભેટો થઈ જતાં તેના શબ્દો ચોટદાર હતા... હું ચારણ છું, દેવીપુત્ર છું. કચ્છમાં એક જ શહીદ એવા માનસિંહ ગઢવીનો ભાયાત છું, જો એ દેશ-મુલક માટે સરહદ પર જાન આપી શકે તો શું હું જમીન ન આપું ?   મુંદરા ઉપરાંત માંડવી તાલુકાનાં પ્રાગપર, સમાઘોઘા, ભુજપુર,  બિદડા, મોટી ખાખર, કાંડાગરા, કોડાય, દુર્ગાપુરના ખેડૂતો પૈકી થોડા હજુ વધુ ભાવ માટે આશાવાદી છે અને મુખ્યમંત્રી સુધી રજૂઆત સુદ્ધાં કરી આવ્યા છે.   ભુજપુર-સમાઘોઘા ગામની 9 કિ.મી. જમીન નહેર માટે સંપાદિત થવાની બાકી છે. મોટા કપાયા, પ્રાગપરમાં પણ આવી 2 કિ.મી.  જમીન  નહેરના ભાવિને રૂંધે છે. માંડવી-મુંદરાના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ આ મુદ્દે સમાધાન માટે એક બેઠક પણ બોલાવી હતી. કચ્છમાં નર્મદા નહેરની યાત્રા 357 કિ.મી.ની છે જે પૈકી 300 કિ.મી. નહેરનું કામ થઈ ગયું છે. મોડકુબા સુધીની નહેર તૈયાર છે પણ જે 50 કિ.મી.નું કામ બાકી છે તેમાં સંપાદનના પ્રશ્નો તથા જટિલતા ધરતા  કારણો પર કાલે ચર્ચા કરીશું ત્યાં સુધી... નર્મદે હર....