ખેડૂતોની શી માંગ છે ? ક્યાં વાંધો છે
નર્મદા નહેર માટે ગુજરાતભરના ખેડૂતોએ પોતાની જમીન આપી ત્યારે જ નહેર કચ્છ સુધી પહોંચી છે. જો નહેરને આગળ વધારવી હોય તો સંપાદન પ્રક્રિયામાં ખેડૂતોનો સહકાર જરૂરી છે, પણ તે માત્ર 50 કિ.મી.માં મળતો નથી, 357માંથી 300 કિ.મી.માં જ્યાં જ્યાં જરૂર પડી રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, મુંદરા-માંડવી તા.ના ખેડૂતોએ જમીનો આપી જ છે.   માંડવી તાલુકામાં ભીંસરાના ઝવેરચંદ જેઠાલાલ સાવલા ઉર્ફે ઝવેરચંદ ભીંસરાવાલાના સહયોગથી આખા ગામે જમીન આપી  દીધી પણ જે ખેડૂતો જમીનો નથી આપતા તે ક્યા કારણે નથી આપતા તે દિશામાં તપાસ કરી તો સર્વ પ્રથમ ચારગણી રકમના જી.આર.નું ખેડૂતો અર્થઘટન ઇચ્છે છે. ચારગણી રકમ તા. 1/1/14 પછી જે જમીન સંપાદિત થશે તેમને મળશે, જ્યારે કચ્છ બ્રાંચ કેનાલના તમામ એવોર્ડ 2014 પહેલાં થઇ ગયા છે.  ખેડૂતો કહે છે કે કપાત થઇ તેવા ખેડૂતને મૂળ કિંમત સાથે 30 ટકા ભાવવધારો મળ્યો જે સ્વીકારાયો તો તેવાઓને 100 ટકા વધારો મળેલો છે. અર્થાત સંમતિ આપનારને અન્યાય ? કપાત વખતે પિયત જમીન પણ કપિત ગણાઇ છે ઉપરાંત જમીનોના સર્વેમાં ભૂલ છે. વળતરની રકમનું પ્રમાણ પણ નીચું ગણાવાય છે.   નહેર પસાર થતાં ઉપરવાસમાં આવતા ઠામો સબબ વરસાદી પાણીના નિકાલ માટે ખેડૂતોના ઠામો ડૂબમાં ન જાય તે માટે જમીનમાં નાના વોકળામાંથી પણ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ખેડૂતો ઇચ્છે છે. આવા ખેતરોના ઢાળ ચકાસી ગામના સરપંચ મારફતે પત્ર વ્યવહાર પણ કરાયા છે.  જમીન સંપાદન માટે નિગમ દ્વારા કોઇ એક અધિકારી મુકરર કરાયા નથી, સતત ચાર્જવાળા જ આ કામગીરી સાથોસાથ સંભાળે છે, વળી બજેટમાં નહેર માટે ફાળવાતી રકમ સામે પણ કિસાનોને વાંધો છે. નહેરમાં પિયત માટે કયાંય વાલ પણ નથી તેથી ભવિસ્યમાં ખેડૂતો પર પાણીની ચોરીનો આરોપ મુકાશે તેવી દહેશત પણ છે.