કચ્છ બ્રાંચ કેનાલમાંથી પાણી લેવા પર પ્રતિબંધ

ભુજ, તા. 20 : નર્મદા લાઇનમાં ભંગાણ પાડનારા તત્ત્વો સામે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એકટ હેઠળ કડક  પગલાં સહિતની કાયદેસરની કાર્યવાહી કરાશે, તેવો નિર્દેશ જિલ્લા કલેકટર એમ.એ. ગાંધીના અધ્યક્ષપદે કલેકટરની ચેમ્બરમાં આજે સાંજે મળેલી પાણી સમિતિની એક બેઠકમાં અપાયો છે.   જિલ્લા કલેકટર શ્રી ગાંધીએ કચ્છમાં ચાલતા પાણી પુરવઠા અને સ્વચ્છતાના કામોની મંજૂરી અને સમીક્ષા માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની આ બેઠકમાં કચ્છ બ્રાંચ કેનાલમાંથી કોઇએ પાણી લેવું નહીં તેવી તાકીદ સાથે દરેકે દરેક કાર્યપાલક ઇજનેરો અને મામલતદારોને નર્મદા પાણીની પાઇપ લાઇનમાંથી ચોરી અટકાવવા ખાસ ડ્રાઇવ કરીને કડક પગલાં લેવાની પણ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના અને નિર્દેશ આપ્યા હતા.     પાણી પુરવઠા વિભાગના અધીક્ષક ઇજનેર એલ. જે. ફફલે આ તકે તેમણે કાયદેસરની કાર્યવાહી સહિત કડક પગલાં લેવા માટે પાણી પુરવઠા તંત્રને સાબદું કરાયું હોવાનો નિર્દેશ આપ્યો હતો. સ્થળ પર જ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.    શ્રી ફુફલે નર્મદા નીરની કચ્છ બ્રાંચ કેનાલ 15મી માર્ચથી 15 મે સુધી બંધ થવાની છે, ત્યારે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે આ બ્રાંચ કેનાલના પાણી ફકત પીવાના પાણી માટે અનામત રાખવામાં આવ્યા હોવાથી, કોઇએ પણ આ પીવાના પાણીના અનામત જથ્થાનો ખેતીના કામમાં ઉપયોગમાં લેવો નહીં તેવી જાહેર મનાઇ કરવામાં આવી છે,  જો કોઇ તેનો ખેતી કામ માટે ઉપયોગ કરશે તો તેની સામે કડક પગલાં સાથેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.    બેઠકના પ્રારંભે ગત બેઠકમાં મંજૂર થયેલી 14 યોજનાની પ્રગતિની સાથે હાલમાં પ્રગતિ હેઠળની યોજનાઓની સ્થિતિની સમીક્ષા કરાઇ હતી.   પ્રગતિ સેતુ કાર્યક્રમ અંતર્ગત આવેલી માગણીઓના અનુસંધાને વાસ્મો દ્વારા અબડાસા અને રાપર તાલુકામાં અંદાજે રૂા. 4.53 કરોડની  નવી તૈયાર કરવામાં આવેલી યોજનાઓ તથા `વાસ્મો'ની અન્ય જાણકારી અપાઇ હતી.  માંડવી ખાતેના શ્યામજી કૃષ્ણવર્મા મેમોરીયલની હાલની પાણીની સુવિધા વધારવા મેટાલિક લાઇન નાખવાની પણ ચર્ચા-વિચારણા કરાઇ હતી.   આ બેઠકમાં વાસ્મોના કાર્યપાલક ઇજનેર ડી.સી. કટારિયા ઉપરાંત ભુજ, નખત્રાણા, અંજાર અને ભચાઉના પાણી પુરવઠા વિભાગના  કાર્યપાલક ઇજનેરો અને વી.આર.ટી.આઇ.ના માવજીભાઇ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer