કચ્છમાં કોંગ્રેસના 25 દાવેદારો
ભુજ, તા. 20 : પાંચ રાજ્યોની ચૂંટણી બાદ હવે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશમાં નબળાં પરિણામો આવ્યાં હોવાનું ધ્યાનમાં રાખી કોંગ્રેસે સજાગ બની તૈયારીઓ આદરતાં આજે પ્રદેશકક્ષાએ રાજ્યની તમામ 182 બેઠકોના 1540 દાવેદારોને બોલાવી બેઠક યોજવામાં આવી હતી.  અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ગુરુદાસ કામતની હાજરીમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, આગેવાનો અર્જુનભાઇ મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલની હાજરીમાં તમામ દાવેદારોને સાંભળી સૂચના આપવામાં આવી હતી.  કચ્છની છ બેઠકો પર ચૂંટણી લડવા ઇચ્છતા 25 દાવેદારોને બોલાવવામાં આવ્યા હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું.  બેઠકમાં હાજર રહેલા જિલ્લા પ્રમુખે જણાવ્યું કે પ્રદેશ આગેવાનાએ જણાવ્યું કે ટૂંક સમયમાં ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે પ્રાથમિક તૈયારીઓ આદરી લોકોની વચ્ચે રહેતા હોય, સ્થાનિક હોય તેવાને તક આપવાની વાત કરી હતી.  તેમણે જણાવ્યું કે જીતી શકે એવા જ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. પ્રદેશ સમિતિની સૂચના પ્રમાણે જિલ્લાના વરિષ્ઠ આગેવાનોની એક સમિતિ બનાવી બેઠકોના ઉમેદવારોની પેનલ બનાવી પ્રદેશકક્ષાએ મોકલવામાં આવશે.  જિલ્લા પ્રમુખના જણાવ્યા પ્રમાણે પાયાના સ્તરના કાર્યકરોની પસંદગી કરવાની હોવાથી પક્ષના કાર્યકરોને કામે લાગી જવા જણાવાયું હતું.  સમગ્ર રાજ્યમાંથી 182 બેઠક માટે 1540 દાવેદારોને બોલાવાયા હતા.