બાળસાહિત્યકારો થકી કુતૂહલ સચવાશે

માંડવી, તા. 20 : સાહિત્ય સર્જનમાં બાળસાહિત્યનું સર્જન પ્રમાણમાં અઘરું છે.  બાળસાહિત્યકારે લખતી વખતે સ્વયં બાળક બનવું પડે છે એવું જાણીતા બાળસાહિત્યકાર ઇશ્વર પરમારે કચ્છમિત્રનાં કટાર- લેખિકા ભારતી ગોરનાં બાળ- સાહિત્યનાં બે પુસ્તકો-વિવેકગ્રામ પ્રકાશન દ્વારા પ્રકાશિત `ડો. હિપ્પોની હોસ્પિટલ' અને ડિવાઇન પબ્લિકેશન્સ-અમદાવાદ દ્વારા પ્રકાશિત `પંખીઓની મહાસભા'ના વિમોચન અવસરે જણાવ્યું હતું.  વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટ દ્વારા માંડવી મધ્યે રોટરી હોલમાં આયોજિત કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના પ્રકાશન અધિકારી ગોરધન પટેલ `કવિ'એ સૌને આવકારીને વિવેકગ્રામ પ્રકાશન દ્વારા સો પુસ્તકોનું પ્રકાશન પૂર્ણ થવા આવ્યું હોવાની માહિતી આપી હતી. આ પ્રસંગે વિષ્ણુ ગોરે પ્રાર્થના રજૂ કરી હતી તથા જિનાન્સી શાહે વાર્તાકથનની પ્રસ્તુતિ કરી હતી. બાળલેખિકાના નાટક `અંગૂલિમાલ'નુ મંચન ક્રિષા રાઠોડ, હેન્સી પરમાર, અમી પરમાર, માનસી ધેડા, હંસિતા ડુંગરખિયા, જૈમિની કેશવાણી, સાવન ગોસ્વામી અને હર્ષિત ગોસ્વામીએ કર્યું હતું. સંસ્થાના નિયામક માવજી બારૈયાએ લેખિકા સાથેના સંસ્થાના ઘરોબાને યાદ કરીને બાળવાર્તાકાર તરીકે તેઓએ સાચા અર્થમાં `મા'ની ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું. અતિથિવિશેષપદેથી જાણીતા વાર્તાકાર માવજી મહેશ્વરીએ શિક્ષિકા ભારતીબેન ગોરનું રૂપાંતરણ બાળવાર્તાકારમાં થયું હોવાનું જણાવીને પુસ્તકો લખવા અને પ્રકાશિત કરવા તે વર્તમાન સમયમાં પડકારરૂપ કાર્ય લેખાવ્યું હતું.  વિશેષમાં તેઓએ વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આજના ટેક્નોલોજીના સમયમાં બાળકો પાસે બધું જ છે, પરંતુ કુતૂહલ અને વિરહ ઓછા થતાં જાય છે તે ચિંતાનો વિષય છે.    સમારંભ અધ્યસ્થાનેથી કચ્છમિત્રના પૂર્તિ સંપાદક રામભાઇ અંતાણીએ આ પુસ્તકોની સામગ્રી કચ્છમિત્ર દૈનિકમાં પ્રકાશિત થઇ ગયેલી હોઇ પુસ્તકોના પ્રકાશનને કચ્છમિત્રનું પણ ગૌરવ ગણાવીને લેખિકા અને પ્રકાશકોને અભિનંદન આપ્યાં હતાં. સર્જક પ્રતિભાવમાં ભારતીબેન ગોરે કચ્છમિત્ર પરિવાર, ડિવાઇન પબ્લિકેશન્સ અને વી.આર. ટી.આઇ. સહિત પરિવારજનો તથા આપ્તજનોને ઋણ સ્વીકાર કરીને બાળસાહિત્ય પોતાની અગ્ર પસંદગી હોવાનું જણાવ્યું હતું. સંસ્થા દ્વારા તેઓનું વિશિષ્ટ સન્માન થવા ઉપરાંત વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને આપ્તજનોએ પણ અભિવાદન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્જકો હરેશ ધોળકિયા, ડો. કાન્તિ ગોર અને રવિ પેથાણીનું પણ વિશેષ સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન જાગૃતિ વકીલે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા કપિલ ગોર અને ભરતભાઇ ગોરે સંભાળી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer