બાળકોએ સ્ત્રીઓની સ્થિતિને વિચારોનો રંગ આપ્યો
ભુજ, તા. 20 : બાળકોનું મગજ કેટલું વિકસ્યું છે અને તેઓની કલ્પનાઓ કેવીક છે તે અંગેનો ક્યાસ કાઢવા આજે ભુજમાં ચિત્ર પ્રદર્શન યોજાયું હતું.    કચ્છ મહિલા વિકાસ સંગઠનના નેજા હેઠળ  વિજયરાજજી પુસ્તકાલયમાં સવારથી બપોર સુધી યોજાયેલા પ્રદર્શનમાં  ભુજ અને નખત્રાણાની અલગ-અલગ શાળાના બાળકોએ કુલ્લ 400 ચિત્રો તૈયાર કર્યા હતા. જેમાંથી શિક્ષક મદનાસિંહ તથા ધાત્રીબેને 125 ચિત્રો પસંદ કર્યા હતા જેને આજે પ્રદર્શનમાં રખાયા હતા.   બાળકોએ તૈયાર કરેલા ચિત્રોમાં મુખ્યત્વે ઘરનું દૈનિક કાર્ય, સ્કૂલ-ગામમાં અસલામતી, અલગ-અલગ વ્યવસાય, સ્વચ્છતા વિ. વિષયના વિચારો બાળકોએ રંગો મારફતે પાના પર કંડાર્યા હતા.  પ્રારંભે જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી શ્રી જરગેલાના હસ્તે પ્રદર્શનને ખુલ્લું મુકાયું હતું.  આ અવસરે શ્રી જરગેલાએ જણાવ્યું કે, સરકાર દ્વારા 33 ટકા મહિલા અનામતની વાત છે ત્યારે મહિલાઓ રસોડામાંથી બહાર આવે અને ઉચ્ચ શિક્ષણ મેળવે તે જરૂરી છે. બાળકોએ બનાવેલા ચિત્રોમાં મહિલાઓને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે. તેમણે એક વેલણમાં સ્ત્રીને દર્શાવતું ચિત્ર ઘણું બધું કહી જતું હોવાનું કહી બાળકોએ તૈયાર કરેલા ચિત્રોને કાબિલેદાદ લેખાવ્યા હતા.    લગભગ 12 વાગ્યા સુધીમાં જ 8 સ્કૂલના 400થી પણ વધારે વિદ્યાર્થીઓએ આ ચિત્રપ્રદર્શન નિહાળ્યું હતું. આ કાર્ય માટે પરેશભાઇ, રાજેશભાઇ, વાસંતીબેન, મોટા-નાના અંગિયાના શિક્ષકો, શ્રી ઠક્કર, હાથીસ્થાનના પ્રેમીલાબેન, અનુપમાબેન વિ. શિક્ષકો તથા કે.એમ.વી.એસ.ની ટીમે જહેમત ઊઠાવી હતી. પૂરક વિગતો કૃતિબેન લહેરુએ આપી હતી.