રાપરમાં વીજ થાંભલાને ડમ્પર ચાલકે અડફેટે લેતાં ભય ફેલાયો
ભુજ, તા. 20 :  રાપર શહેરમાંથી પસાર થતા માટીના ડમ્પર ચાલકે હાઇટેન્શન વીજળીના થાંભલાને અડફેટે લેતાં લોકો માથે મોતનો ખતરો ઉભો થયો છે.  આજે વહેલી સવારે શહેરના બસ સ્ટેશન પાસેથી પસાર થતી 11 કે.વી.ની હાઇટેન્શન લાઇનના થાંભલા સાથે ચાલકે ડમ્પર અથડાવી દેતાં ભર નિદ્રામાં પોઢી રહેલા લોકો ધડકાનો અવાજ સાંભળી સફાળા જાગી ગયા હતા અને ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, માટી ભરીને મોરબી જઇ રહેલો ડમ્પર ચાલક નાસી ગયો હતો. જો આ બનાવ દિવસે બન્યો હોત તો લોકોના જીવનું જોખમ સર્જાત.શહેરમાં માતેલા સાંઢની માફક દોડતા ડમ્પરોની સામે પગલાં લેવામાં આવતા નથી. અવારનવાર શાળા પાસે કે ગાયોના વથાણમાંથી ડમ્પરો દોડી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાસી છૂટેલા ડમ્પર ચાલકે શહેરમાં ચાર કિ.મી. સુધી માટીના ઢગલા વહેરી નાખ્યા હતા. રાપર પોલીસ દ્વારા કે વીજળી બોર્ડ દ્વારા ચાલક સામે કોઇ પગલાં ન ભરાતાં આશ્ચર્ય સર્જાયું છે.