કંડલા મહાબંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનશે
ગાંધીધામ, તા. 20 : કંડલા પોર્ટ ટ્રસ્ટના નેજા તળે આવતા દિવસોમાં આકાર લેનારા સ્માર્ટ સિટી પ્રોજેકટના ભૂમિપૂજન અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ અથવા મે મહિને કચ્છ આવવાના છે તેવામાં આજે નવી દિલ્હી ખાતે કેપીટીના અધર ઇન્ટરેસ્ટ ટ્રસ્ટી માવજીભાઇ સોરઠિયાએ તેમની મુલાકાત કરીને રજૂઆત કરતાં શ્રી મોદીએ કંડલા મહાબંદરને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા તૈયારી બતાવી હતી.  નવી દિલ્હીથી આ વિગતો આપતાં શ્રી સોરઠિયાએ જણાવ્યું હતું કે સંસદમાં ચાલતા સત્ર દરમ્યાન જ વચ્ચેથી વડાપ્રધાને મુલાકાત આપતાં તેમણે કંડલાના વિકાસમાં મદદરૂપ બનવા શ્રી મોદીને વિનંતી કરી હતી. તેના પ્રત્યુત્તરમાં કચ્છ પ્રત્યે વિશેષ લાગણી હોવાનું જણાવી મહાબંદરને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા તૈયારી દર્શાવી હતી.  શ્રી સોરઠિયાએ ટ્રસ્ટીપદ માટે પોતાની થયેલી પસંદગી બદલ વડાપ્રધાનનો આભાર પ્રગટ કર્યો હતો. અત્રે નોંધવું જરૂરી છે કે આગામી સમયમાં કંડલા તથા ગાંધીધામમાં આકાર લેનારા સ્માર્ટ સિટીના ખાતમુહૂર્તની તૈયારી ચાલી રહી છે અને વડાપ્રધાન સંભવત: એપ્રિલ કે મે મહિનામાં અહીં આવશે.  આ જ સંદર્ભમાં કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવિયા 25મીએ ગાંધીધામ આવી રહ્યા છે. તેઓ વડાપ્રધાનની આગામી મુલાકાત અંગે પ્રશાસન સાથે વાટાઘાટ કરશે તેવી સંભાવના છે. 28મીએ કંડલા પોર્ટ ટ્રસ્ટની બોર્ડ બેઠક પણ મળી રહી હોવાથી આ ઘટનાક્રમ સૂચક છે. અલબત્ત હજુ કેપીટી પ્રશાસને કોઇ બાબતને સમર્થન આપ્યું નથી.