અંજાર તા.ના 12 રસ્તાઓના પુન: મરંમતના કામનો પ્રારંભ થયો

ભુજ, તા. 20 : રવિવારે રૂા. 8.94 કરોડના ખર્ચે અંજાર તાલુકાના મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના અંતર્ગત વિવિધ 69 કિ.મી.ના રસ્તાઓની પુન: મરંમતના કામનું રાજ્યના સંસદીય સચિવ વાસણભાઈ આહીરે ખેડોઇ મુકામે ભીમનાથ મહાદેવ મંદિર પાસેથી ખાતમુહૂર્ત કરાવી પ્રારંભ કરાવ્યો હતો.    આ પ્રસંગે બોલતાં  શ્રી આહીરે  જણાવ્યું હતું કે,  કચ્છમાં નેશનલ હાઇ-વે માટે કપાતમાં જતી જમીનના વળતર ખેડોઇને વધુમાં વધુ મળ્યાં છે. ખેડોઇ ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટે રૂા. પાંચ લાખ ટ્રેકટર, માધ્યમિક શાળાની દીવાલ માટે પ લાખ અને નવી ક્ષત્રિય સમાજવાડી પાસેના પેવર બ્લોક માટે રૂા. 2.50 લાખ ફાળવ્યા છે, જ્યારે વાસ્મો યોજના માટે રૂા. 2.32 લાખના કામોની મંજૂરી  આપવામાં આવી છે.  રૂા. 8.94 કરોડના માર્ગોના કામમાં ખેડોઇ-ભીમનાથ, ખેડોઇ-મીંદિયાળા-સિનુગ્રા, ખેડોઇ-ચંદિયા, નગાવલાડિયા-વીરા-સંઘડ, રતનાલ-નિંગાળ- ખંભરા- રામટેકરી- રતનાલ, ભીમાસર - પશુડા, અંજાર-મેઘપર, મેઘપર- લીલાશાકુટિયા, મોડસર-એપ્રોચ રોડ, દુધઇ-અમરાપર રોડનો સમાવેશ થાય છે તેવું વધુમાં કહ્યુંં હતું.   આ પ્રસંગે તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષા રસિકબા જાડેજાએ લોકોને ધારાસભ્ય દ્વારા કરાતાં કામોની કદર કરવા અનુરોધ કર્યો હતો. શાસકપક્ષના નેતા જયોત્સનાબેન દાસે પણ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ પ્રસંગે તા.પં. પ્રમુખ રાંભઇબેન જરૂ, પૂર્વ ધારાસભ્ય ગોપાલભાઈ ધુવા, જિ.પં.ના પૂર્વ પ્રમુખ જીવાભાઈ શેઠ, એપીએમસીના ચેરમેન સહદેવાસિંહ જાડેજા, ખેડોઇના સરપંચ  બાપાલાલ જાડેજા, તા.પં.ના ઉપપ્રમુખ દેવજીભાઈ સોરઠિયા, વેલાભાઈ જરૂ, જિ.પં. સદસ્યા લક્ષ્મીબેન મ્યાત્રા, તા. ભાજપ પ્રમુખ શંભુભાઈ આહીર, મહામંત્રીઓ કાનજી જીવા શેઠ, મશરૂભાઈ રબારી, તા.પં. સદસ્યા શ્રેયાબા જાડેજા, સજુભા જાડેજા, મનુભા જાડેજા, માન કંપનીના મુકેશ ભટ્ટ, માર્ગ-મકાન વિભાગના હમીર મ્યાત્રા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.  પ્રારંભે સજ્જનાસિંહ જાડેજાએ સ્વાગત કર્યું હતું. સંચાલન પ્રદ્યુમનાસિંહ જાડેજાએ જ્યારે આભારદર્શન કરણાભાઈ રબારીએ કર્યું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer