મહિલાદિન અંગે નાગપુરના સેમિનારમાં ગાંધીધામની હાજરી
ગાંધીધામ, તા. 20 : રાષ્ટ્રીય ઇન્ટુક દિલ્હીના પ્રયત્નોથી આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી અંતર્ગત નાગપુર ખાતે એક સેમિનારમાં ભારતના અનેક રાજ્યોમાંથી 800 મહિલાઓ જોડાઇ હતી, જેમાં કંડલા પોર્ટ કર્મચારી સંઘ (ઇન્ટુક) મહિલા પાંખની સચિવ સહિત ત્રણ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.  રાષ્ટ્રીય ઇન્ટુક મહિલા પાંખના પ્રમુખ અલ્કાબેન ખત્રીયા, માજી સાંસદ, રાષ્ટ્રીય ઇન્ટુકના પ્રમુખ ડો. સંજીવા રેડ્ડી (સચિવ એસ.ક્યુ. જામા) તેમજ અન્ય રાજ્યોમાંથી મહિલાઓ આ દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહી હતી. આ વેળાએ મહિલાઓ દ્વારા અપાયેલી કુરબાની અને યોગદાન અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.  ભારતીય બંધારણની કલમ 19 અને 21માં વિવિધ અધિકારો મહિલાઓને આપવામાં આવ્યા છે. જેથી મહિલાઓનું સન્માન જળવાઇ રહે, પરંતુ આ ક્ષેત્રમાં હજુય ઘણું કરવાની જરૂરિયાત છે.  સાઉથ એરિયા રિજનલ સેક્રેટરી અપૂર્વા કેવરે મહિલાઓની વર્તમાન પરિસ્થિતિ અંગે છણાવટ કરી હતી તેમજ સંમેલનમાં મનાલી શાહ, ઉજૈની સેનગુપ્તા, દેવિકા સિંઘ, ભાગેશ્રી ભુરકે, માજી સાંસદ, રાષ્ટ્રીય ઇન્ટુક ઉપપ્રમુખ આર.સી. કુંતિયા વિગેરેએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું.  આ સંમેલનમાં કે.પી.કે.એસ. (ઇન્ટુક)ના સચિવ ગુલશન ઇલાવિયા, શોભના નાયર, મનીષા હેડાઉ ઉપસ્થિત રહ્યા હતા.