દિલ્હીમાં આદિપુરના ચાર છાત્ર અને પ્રાધ્યાપકનું સન્માન
ગાંધીધામ, તા. 20 :  નવી દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સંમેલનમાં દ્વિતીય સાક્ષરતા અભિયાનના વ્યાપક પ્રચાર અર્થે સંકુલની તોલાણી પોલીટેકનિક કોલેજના ચાર વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકનું સન્માન કરાયું હતું.  તોલાણી પોલીટેકનિક કોલેજના આચાર્ય શ્રી વેંકટેશ્વરલુની પ્રેરણાથી ઇલેકટ્રીકલ વિભાગના નિમેષ પ્રજાપતિના માર્ગદર્શન તળે વિદ્યાર્થીઓની જુદી જુદી ટીમ દ્વારા આદિપુર, અંતરજાળ, કિડાણા, ગળપાદર, ગાંધીધામ તેમજ ગ્રામ્ય વિસ્તારના પરિવારો, વેપારીઓ તથા દુકાનદારોને ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના હેતુસર કેશલેસ વ્યવહાર અંગે જાગૃતિ કાર્યક્રમો કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી દેવાંગ રાઠોડ, ધનંજય મૌર્ય, હરદેવસિંહ ચૌહાણ, જગદીશ મૈતીનું નોંધપાત્ર કામગીરી બદલ સન્માન કરાયું હતું.  રાષ્ટ્રીય સંમેલનમાં માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર તથા રવિશંકર પ્રસાદના હસ્તે આ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. સાથોસાથ પ્રાધ્યાપકનું પણ સન્માન થયું હતું.  આ વેળાએ દેશની જુદી જુદી સંસ્થા, યુનિવર્સિટી, કોલેજના 380 છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.