નલિયાકાંડની તપાસ નિવૃત્ત ન્યાયમૂર્તિ દ્વારા કેમ તેવો પૂર્વ ધારાસભ્યે સવાલ ઉઠાવ્યો
માંડવી, તા. 20 : નલિયા ગેંગરેપકાંડમાં સીટિંગ ન્યાયમૂર્તિ તપાસ કરાવે તેને બદલે નિવૃત્ત ન્યાયમૂર્તિ દ્વારા તપાસ કેમ તેવો સવાલ પૂર્વ ધારાસભ્યએ ઉઠાવી ઘટનાનું ફીંડલું વળતું હોવાનું જણાવ્યું હતું.  નલિયા ગેંગરેપ સામેની લડત બરાબર મધ્યાહ્ને પહોંચી હતી, તેના પડઘા રાજ્ય બહાર પહોંચ્યા ત્યાં જ એકાએક સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે અંદરો- અંદર સુલેહ થઇ જતાં પ્રકરણની મેદાની લડત ઠંડી પડી ગઇ અને ત્રીસુરક્ષા અને સશક્તિકરણના દાવાનાં ચીંથરાં ઊડી ગયા તેવી પ્રતિક્રિયા જયકુમાર સંઘવીએ આપી હતી.   શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે, વિપક્ષે મોટેપાયે આંદોલન ઉપાડયું અને સીટિંગ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા તપાસની માગણી મોટેપાયે કરી હતી, અને તે નહીં સ્વીકારાય તો વિધાનસભાની બજેટ બેઠક પણ ચલાવવા નહીં દેવાય તેવી ઘોષણા કરી, પરંતુ એકાએક મુખ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું કે, વિરોધ પક્ષના નેતા કહેશે તેમ કરાશે, ત્યારે વિગતવાર સ્પષ્ટીકરણ માગવાને બદલે વિરોધ પક્ષે આક્રોશભરી લડતને થંભાવી દીધી. જેના સામે આશ્ચર્ય વ્યક્ત કરી શ્રી સંઘવીએ આ બાબતે શ્વેતપત્ર જાહેર કરવાની માગણી મૂકી છે.