ફરજ પર હાજર નહીં થનારા કરાર આધારિત કર્મચારીઓ સામે તોળાતાં પગલાં
ભુજ/ગઢશીશા, તા. 20 : કચ્છમાં પંચસ્તંભ યોજના (ઇન્દિરા આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મિશન મંગલમ્ યોજના તથા મનરેગા) હેઠળ કામગીરી બજાવતા 2000 જેટલા કરાર આધારિત કર્મચારીઓ `ફાઇટ ટુ રાઇટ' હેઠળ પૂરતા વેતનની માંગ સાથે હડતાળ પર ઊતર્યા છે. તેમના પ્રતિનિધિમંડળે આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.  આ અંગે સાંસદ વિનોદભાઇ ચાવડા તથા ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યને પણ આવેદનપત્ર અપાશે તેવું કર્મચારીઓએ જણાવ્યું હતું.  જિલ્લા કલેક્ટર શ્રી ગાંધી અને જિ.વિ. અધિકારી શ્રી પટેલને કર્મચારીઓ સચિન પંડયા, હિમાંશુ પરમાર, અલ્પેશ પરમાર વગેરેએ તેમના હક્ક માટે રજૂઆત કરી હતી.  દરમ્યાન, આજે ગાંધીનગરથી ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની સૂચનાનુસાર અધિક કમિશનર દ્વારા જણાવાયું છે કે જે કરાર આધારિત કર્મચારીઓ હડતાળ પર ગયા હોય તેમને નોટિસ આપી હડતાળના દિવસનો પગાર કાપવો. આજે કામગીરી પર અસર થઈ હોવાનું જણાતાં તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને કડક કાર્યવાહી  કરવા અને ફરજ પર જોડાવાની તાકીદ કરવા-તેમ છતાં કામ કરવાનો ઈન્કાર કરે તે કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરવાની સૂચના ડી.ડી.ઓ. અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને અપાઇ છે.  આ અંગે ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રશાંતભાઇ જોશીએ ટેલિફોનિક સંપર્કમાં જણાવ્યું કે, જિલ્લા અને તાલુકાના હડતાળમાં ઊતરેલા કર્મચારીઓની માહિતી મંગાવી છે, જે આવેથી નોટિસ અપાશે. ફરજ પર નહીં આવનારા સામે કાર્યવાહી કરાશે.