દુધઈ-કોટડા વચ્ચે બાઈક-કાર ભટકાતાં ચાલકનું થયેલું મોત

ગાંધીધામ, તા. 20 : અંજાર તાલુકાનાં નવી દુધઈ અને કોટડા વચ્ચે બાઈક અને કાર ભટકાતાં બાઈકચાલક નવી દુધઈના વાલજી સવા ગાગલ (ઉ.વ. 42)નું સારવાર દરમ્યાન મોત થયું હતું. તો બીજી બાજુ નગાવલાડિયામાં વલીબેન રામ ખેંગાર જાટિયા (ઉ.વ. 65)એ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.  નવી દુધઈમાં રહેતા વાલજીભાઈ આજે બપોરે જવાહરનગરથી પરત આવી રહ્યા હતા ત્યારે નવી દુધઈ અને કોટડા વચ્ચે પાવર હાઉસ નજીક તેમને અકસ્માત નડયો હતો. સામેથી આવતી કાર નંબર જી.જે.18-બી.એ. 6522એ તેમની નવી બાઈકને ટક્કર મારતાં આ યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. દરમ્યાન ત્યાં તાબડતોડ દોડી આવનાર અલારખ્ખા સમાએ 108ને જાણ કરી ઘવાયેલા યુવાનને ભુજની જિલ્લા હોસ્પિટલમાં ખસેડયો હતો. આજે બપોરે બનેલા આ બનાવમાં ચાર સંતાનના પિતા એવા વાલજીએ સારવાર દરમ્યાન આંખો મીંચી લીધી હતી. દુધઈના અમારા પ્રતિનિધિ ભાવેશ ઠક્કરે જણાવ્યું હતું કે, આ માર્ગ ઉપર છેલ્લા પચ્ચીસ દિવસમાં અકસ્માતમાં આ આઠમું મોત છે. આ માર્ગ ઉપર અકસ્માત અટકાવવા તંત્રને યોગ્ય પગલાં લેવાની માંગ લોકોએ કરી હતી.  બીજી બાજુ નગાવલાડિયામાં રહેતા વલીબેન નામના વૃદ્ધાએ ગઈકાલે છેલ્લું પગલું ભરી લીધું હતું. તેમણે રસોડામાં છતમાં આવેલા હૂકમાં રસ્સી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. સવા વર્ષ પહેલાં આ વૃદ્ધાના પતિનું અકસ્માતમાં મોત થયું હતું. તે બાદ તેમની માનસિક સ્થિતિ બરાબર ન હતી અને તેમણે આપઘાત કરી લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer