માનવે પોતાની વ્યવસ્થા કરી પણ સાથે રહેતા પક્ષીઓને ભૂલી ગયા

ભુજ, તા.20 : અહીંની માનવજ્યોત સંસ્થા દ્વારા વિશ્વ ચકલી દિનની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભુજના ચકરાઓ ઉપર લોક જાગૃતિ માટેના ચકલી બચાવો બેનર મૂકવામાં આવ્યાં હતા. તેમજ કુંડા-ચકલીઘર વિતરણ કરાયા હતાં.   ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને માનવજ્યોત સંસ્થા દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કચ્છ યુનિ. મધ્યે કુલપતિ સી.બી.જાડેજાના અધ્યક્ષસ્થાને તથા ડો.ડી.એમ. બકરાણિયા, સુરેશભાઈ માહેશ્વરીના અતિથિ વિશેષપદે યોજાયો હતો. યુનિવર્સિટીના દર્શનાબેન ધોળકિયા, ડો.કે.એમ. ત્રિવેદી, ડો.મૃગેશ ત્રિવેદી, ડો.અમર મહેતા, ડો.મનીષા બારડ, ડો. શીતલ બાટી, ડો.ગિરીન બક્ષી, ડો. કલ્પના સતીજા ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.  માનવજ્યોતના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, આજે ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે એને બચાવવા માટે માનવજ્યોત સંસ્થા અભિયાન ચલાવી રહી છે. માટીના કુંડા અને ચકલીઓને રહેવાનું ઘર મળે એ માટે સુરક્ષિત માટીનું ચકલીઘર હવે દરેક ગામો અને શહેરોમાં લટકતા જોવા મળે છે. જે ચકલીઓ અને પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બન્યા છે. લોકો સામેથી ચકલીઘર- કુંડા- ચણ થાળીની માંગણી કરે છે. અનેક સંસ્થાઓ, ટ્રસ્ટો, મંડળો આ કાર્યમાં જોડાયા છે.   કચ્છ યુનિ.ના કુલપતિ શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, માનવ જાતના અસ્તિત્વ માટે પણ જીવ સૃષ્ટિ આધાર બને છે. વર્તમાન યુગમાં આધુનિક ખાતરો, જંતુનાશક દવાઓ, પ્રદૂષણ, નવી રહેણી-કરણી, ઉંચા મોબાઈલ ટાવરો, નળિયાના બદલે છત વિગેરે કારણોસર પક્ષીઓની અનેક જાતિઓ લુપ્ત થવાના આરે છે. ઘરના સ્ટ્રક્ચર બદલી જતાં પક્ષીને જુદું થવું પડયું. આપણે આપણી વ્યવસ્થા કરી લીધી પણ આપણી સાથે રહેતા નાનકડા પક્ષીની વ્યવસ્થા કરતા ભૂલી ગયા, પરિણામે ચકલીઓનો કલરવ અને અવાજ ઓછો થતો જાય છે. આ માટે માનવજ્યોતનું કામ સંવેદનાથી ભરપૂર છે.  સંચાલન ડો.શીતલ બાટીએ તથા આભાર દર્શન ડો.હર્ષદ નિર્મલે અને વ્યવસ્થામાં ભવાનજીભાઈ ઠક્કર, શંભુભાઈ જોષી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, જેરામ સુતાર તથા યુનિવર્સિટી સ્ટાફે સહકાર આપ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer