શુક્રવારથી યુનિ. પરીક્ષાઓનો પ્રારંભ
ભુજ, તા. 20 : કચ્છ યુનિવર્સિટીની વર્ષ 2016-17ની માર્ચ-એપ્રિલની વિવિધ પરીક્ષાઓનો આગામી તા. 24-3 શુક્રવારથી પ્રારંભ થઇ રહ્યો છે. આ સંદર્ભે યુનિ. દ્વારા છાત્રોને વિવિધ સૂચનો કરવામાં આવ્યાં છે.  પરીક્ષા નિયામકની યાદી મુજબ બીજા તબક્કાની શરૂ?થતી પરીક્ષાઓ માટેની હોલ ટિકિટ રેગ્યુલર વિદ્યાર્થીઓ પોતાની કોલેજ ખાતેથી મેળવી શકશે તેમજ એક્સટર્નલ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશે અથવા યુનિવર્સિટીના એક્સટર્નલ વિભાગ ખાતેથી ચાલુ દિવસોમાં મેળવી શકશે.  પરીક્ષાના સમયપત્રકો સંબંધિત કોલેજોના નોટિસ બોર્ડ તેમજ યુનિ. પોર્ટલ પર પણ છે અને હોલ ટિકિટમાં પણ પરીક્ષાની તારીખ, વિષય અને પેપર કોડ દર્શાવેલા હોવાથી ચકાસવા સૂચન કરાયું છે.  બી.કોમ. સેમ-6 અને સેમ-2ના વિદ્યાર્થીઓને તેમના પેપરનો ક્રમ અને તારીખ ચકાસવા ખાસ સૂચન કરતાં યાદીમાં પરીક્ષા ખંડમાં હોલ ટિકિટ સાથે લઇ આવવી અને મોબાઇલ કે અન્ય કોઇ પણ પ્રકારના ઇલેકટ્રીક ગેઝેટ સાથે નહીં લાવવા ખાસ તાકીદ કરાઇ છે. કુલપતિ અને યુનિ. તરફથી છાત્રોને શુભેચ્છા પાઠવાઇ છે.