કચ્છમાં ધો. 10 અને 12ની પરીક્ષામાં 3 કોપી કેસ નોંધાયા
ભુજ, તા. 20 : ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી દશમા અને બારમા ધોરણની પરીક્ષામાં આજે સીસીટીવીનો સતર્ક જાપ્તો, નિરીક્ષકોની નજર સહિતની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે પણ કચ્છમાં કોપી કરતા ત્રણ છાત્ર ઝડપાયા હતા. બીજી તરફ ગણિતથી ભયભીત હોય તેમ નોંધપાત્ર સંખ્યામાં 915 છાત્રો પરીક્ષા આપવા પહોંચ્યા જ નહોતા.  જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સ્થિત કંટ્રોલરૂમ પરથી જવાબદારી સંભાળતા મોહનભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ધો.10માં બે અને ધો.12માં એક મળીને કુલ 3 કોપી કેસ નોંધાયા હતા.  સામખિયાળીની પંચાયતી પ્રાથમિક શાળામાંથી ભચાઉ તા.ના વાંઢિયાનો છાત્ર ટેબ્લેટ રેકોર્ડિંગ પર નજર રાખતી ગાંધીનગરની નિરીક્ષક ટીમની નજરે ચડી ગયો હતો. કન્યા મહાવિદ્યાલય આદિપુરમાં અંજાર તાલુકાના નગવલાડિયાનો છાત્ર ઝેરાક્ષ કરીને કાપલીમાંથી કોપી કરતો ઝડપાયો હતો.  બીજી તરફ બારમા ધોરણમાં અર્થશાત્રની પરીક્ષા આપતી વખતે ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપતો બિદડાનો છાત્ર ભુજની ચાણક્ય એકડમીમાં કોપી કરતો ઝડપાયો હતો.