આધોઈમાં ત્રણ યુવાન ઉપર સાત જણ શત્રો સાથે તૂટી પડયા
ગાંધીધામ, તા.20 : ભચાઉના આધોઈ ગામમાં ત્રણ યુવાનો ઉપર 7 ઈસમોએ ધારિયા, છરી, ટામી વડે પ્રાણઘાતક હુમલો કર્યો હતો. ઘવાયેલા આ ત્રણેયને સારવાર અર્થે ખસેડાયા હતા. બીજી બાજુ કંડલામાં બનેવીએ પોતાના સાળા ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો.  આધોઈના શાહુનગર વિસ્તારમાં ગઈકાલે સમી સાંજે મારામારીનો આ બનાવ બન્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, બળવંતસિંહ ઉર્ફે બળુભા બનેસંગ જાડેજા (ઉ.વ.20), અશોકસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.30) અને પ્રવીણસિંહ રાઘુભા જાડેજા (ઉ.વ.35) કેવટ સાહેબજી પથુજી સમા, શબિર ઈસ્માઈલ જુણેજા, વલીમામદ ઈબ્રાહિમ સમા, લાલો ઉર્ફે ઈસ્માઈલ સમા, અસગર ઈસ્માઈલ જુણેજા, લખમીર પથુભા સમા, યશપાલસિંહ ગોગુભા જાડેજા નામના શખ્સોએ ધારિયા, છરી અને ટામી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ શખ્સો જ્યારે સામ-સામે આવતા ત્યારે કોઈ કારણોસર એકબીજા સામે આંખો કાઢતા હતા. જે અંગેનું મનદુ:ખ રાખી આ હુમલો કરાયો હતો. આ ત્રણેય યુવાનોને માથામાં ગંભીર ઈજાઓ થતાં ત્રણેયને સારવાર અર્થે ખસેડાયા હતા. આ માથાકૂટ રેતી વગેરે ખનિજના ખોદકામ અંગે થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ફોજદાર વી.એલ. ગાગિયાનો સંપર્ક કરતાં તેમણે ફોન રીસીવ નહીં કરતાં વધુ વિગતો જાણી શકાઈ ન હોતી.  બીજી બાજુ તુણામાં આવેલા મકાનના મુદ્દે કંડલામાં રહેતા ઈશાક હુશેન બાપડા ઉપર તેના કૌટુંબિક બનેવી જાફર ઓસમાણ નાંગિયાએ લાકડીથી હુમલો કર્યો હતો. ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.