અબડાસામાં પાણીની સમસ્યા ને અધિકારી વગર રજાએ ચાલ્યા ગયા
ભુજ, તા. 20 : પીવાનાં પાણીની વધુ જરૂરિયાતવાળા અબડાસા તાલુકામાં ઉનાળો આવતાં જ ગામેગામમાં ફરિયાદો ઊઠે છે, તેવા ખરા સમયે જ નલિયા પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક કોઇ પણ  પ્રકારની જાણ કર્યા વગર બે સપ્તાહથી રજામાં ચાલ્યા જતાં ખુદ ઉચ્ચ અધિકારીઓ પણ ત્રાસી ગયા છે.   અબડાસાની પીવાનાં પાણીની વિતરણ વ્યવસ્થા માટે નલિયા ખાતે પાણી પુરવઠા બોર્ડ દ્વારા બે નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીઓ કાર્યરત છે.  પરંતુ નંબર-2ના નાયબ કાર્યપાલક ઇજનેર છેલ્લા 15 દિવસથી ક્યાં ગયા છે એ કોઇને ખબર નથી.  ગ્રામ્ય વિસ્તારમાં પાણીની રાડા-રાડ થાય છે પરંતુ અધિકારી વગર કોણ સાંભળે અને કચેરીમાં બેઠેલા અન્ય કર્મચારીઓ જો સાંભળે છે તો નિર્ણય કોણ લે તે સવાલ સર્જાતાં આખરે જિલ્લાકક્ષાએ આ બાબતે ફરિયાદ થઇ?હતી.  જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને ખબર પડી કે ના. કા. ઇ.  ગેરહાજર છે એટલે ત્રણેક દિવસ પહેલાં નાયબ કાર્યપાલક ઇજનેર જે. આર. મહેતાના નામની નોટિસ કાઢવામાં આવી હતી. જિલ્લાના અધીક્ષક ઇજનેરે નોટિસમાં જણાવ્યું હતું કે, ઉપરી અધિકારી પાસેથી રજા લીધા વિના શા માટે ગેરહાજર છે અને આ અંગેના તાત્કાલિક ખુલાસા કરવા, નહીંતર શિસ્તભંગના પગલાં લેવામાં આવશે તેવું નોટિસમાં જણાવાયું હતું.