થર થર કાંપે છે કચ્છ : નલિયામાં 5.4 ડિગ્રી

નલિયા,  તા. 11 : આખેઆખું ઉત્તર ભારત ચીરીને આવતા હિમવર્ષાના ચેપવાળા ટાઢાબોળ પવનોની પાંખે સવાર શિયાળાના શીતસકંજાએ કચ્છી જનજીવનને થરથરાવી મૂકયું છે. ઉષ્ણતામાપક પારો પટકાઇને છેક 5.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જતાં નલિયા સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ  ઠર્યું હતું. ગુજરાત રાજ્યના મોસમ વિજ્ઞાન વિભાગની વેબસાઇટ પર નીચા તાપમાનની ચેતવણી આપતાં હજુ બે દિવસ સુધી રાજ્યની સાથોસાથ કચ્છ તીવ્ર ઠારમાં  ઠરશે તેવી આગાહી કરાઇ છે. બુધવારે નલિયા ઉપરાંત બંદરીય માંડવી, કંડલા પોર્ટ તેમજ એરપોર્ટ પર પારો 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે સરકી જતાં ગાત્રો ગાળી નાખે તેવા કાતિલ ઠારથી ઠૂંઠવાઇ ઊઠેલાં ગ્રામીણ જનજીવનને રાત-દિવસ ઊની વત્રોમાં વીંટળાયેલા રહેવાની ફરજ પડી હતી. અબાલવૃદ્ધ સૌ કોઇને ધ્રૂજાવી નાખતી ઠંડીના કારણે કાનમાં સટકા પડવા, માથાંનો દુ:ખાવો, તાવ, શરદી, કફ, ઉધરસ, પીઠનો દુ:ખાવો જેવી તકલીફો વધવા માંડી છે. કચ્છનાં પરંપરાગત શીતમથક નલિયામાં આજે પારો વિક્રમ સર્જવા તરફ નીચો સરકયો હતો અને 5.4 ડિગ્રી સેલ્સિયસ સાથે મોસમનો સૌથી ઠંડો દિવસ ગ્રામીણ જનજીવને માંડ માંડ પસાર કર્યો હતો. ખાસ કરીને વહેલી સવારમાં  ઘર છોડીને પેટિયું રળવાની લાચારી વેઠતા નાના ધંધાર્થી, ઝૂંપડાંમાં વસતા શ્રમજીવી કુટુંબો કાતિલ ઠારમાં ઠરતાં પરેશાન થયાં હતાં. વડીલો, દર્દીઓ અને ખાસ કરીને નાના બાળકોને ડંખીલા ઠારથી બચાવીને રાખવાની સલાહ તબીબી જગતે આપવા માંડી છે. ઠંડી વધતાંની સાથે જ ઊની વત્રોની બજારમાં ગરમીથી મોસમી બજારના ધંધાર્થીઓમાં કમાણીની નવી આશા જાગી છે, તો શાક બજારમાં સસ્તા ભાવે મળી રહેતી લીલોતરીની લીલાલ્હેર થઇ પડી છે. ઠંડી વધશે તેમ વાલોર, વટાણા, મેથી, પાલક, ધાણા જેવી લીલોતરીના ભાવ ઘટશે તેવું વેપારી વર્ગ કહી રહ્યો છે. અત્યારે પાક માટે સંજીવની સમાન શીતલહેરથી ખેડૂત પણ ખુશખુશાલ બન્યો છે. સંક્રાત નજીક હોવાથી હજુયે ટાઢ વધતાં પાકને ફાયદો થવાની આશા ફરી પ્રબળ બની છે. નલિયાથી ઉત્તર બાજુના છાડુરા, રામપર, ચરોપડી નાની-મોટી, વાયોર, વાગોઠ, ગરડાં પંથક, છેવાડાનાં સુથરી, રાપર (ગઢ), કાંઠાળ ગામો કોઠારા, વરાડિયા, વાંકુ, વાડાપદ્ધર વગેરે ગામોમાં લોકો ઠારથી ઠર્યા હતા. બીજી તરફ બંદરીય માંડવીમાં પણ 8.5 અને કંડલામાં 9.4 ડિગ્રી સાથે કાંઠાળપટ્ટ ઠર્યા હતા, તો ખાવડામાં 10 ડિગ્રી સાથે રણકાંધીનાં ગામો થરથરી ઊઠયાં હતાં. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer