મધદરિયે માંગરોળની બોટમાં ધડાકો; 3 મોત

મધદરિયે માંગરોળની  બોટમાં ધડાકો; 3 મોત
ઓખા-માંગરોળ, તા. 11 : કચ્છના દરિયાઇ અખાતમાં  જખૌના સમુદ્ર નજીક માંગરોળની એક માછીમારી બોટમાં પ્રચંડ વિસ્ફોટ થતાં બોટમાં સવાર ત્રણ માછીમારોના મોત નીપજ્યાં છે, તો બોટમાં સવાર અન્ય 3 જણા ગંભીર રીતે ઘાયલ થવા સાથે સમુદ્રમાં લાપતા થયાં હોવાનું બહાર આવ્યું છે.  માંગરોળના બાબુભાઈ વેલજીભાઈ ગોસિયાની જી.જે. 11 એમ એમ 13040 નંબરની બાહુબલી નામની બોટ ગત પાંચમીએ ઓખાથી માછીમારી માટે નીકળી હતી. બોટમાં 7 લોકો સવાર હતા. દરમિયાન, જખૌના દરિયામાં બોટમાં બ્લાસ્ટ થતાં 3 માછીમારના મોત નીપજ્યાં હતા. જ્યારે બોટનો ટંડેલ બચી ગયો હતો. ત્રણેયના મૃતદેહોને ઓખા લવાઈ રહ્યા છે. મૃતકોમાં જૂનાગઢના સંજય બાંભણિયા (ઉ. વ. 18), પરબતભાઈ બાંભણિયા (ઉ. વ. 51) અને વિજય વાઘેલા (ઉ. વ. 20)નો સમાવેશ થાય છે. બોટમાં સવાર કાનજીભાઈ વંશ, ભાણાભાઈ બાંભણિયા અને સંજય નામના અન્ય 3 માછીમારો લાપતા બનતાં કોસ્ટગાર્ડે તેમની શોધખોળ હાથ ધરી છે. બોટમાં થયેલાં વિસ્ફોટની ઘટનાથી માછીમાર સમાજમાં ચિંતા પ્રસરી ગઈ છે. બનાવની જાણ થતાં ઓખા દરિયાકિનારે માછીમાર સમાજના આગેવાનો અને માછીમારો ઊમટી પડ્યા હતા. બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન મરીન એજન્સીના જવાનોએ અપહરણના ઈરાદે બોટ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં અકસ્માતે બોટમાં આગ ફાટી નીકળતાં આ કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. જો કે, આ અંગે કોસ્ટગાર્ડ કે અન્ય સુરક્ષા એજન્સીઓએ કશી સ્પષ્ટતા કરી નથી. દરિયામાં માછીમારી કરવા માટે જખૌ ગઈ હતી. માછીમારી કરતા રાત્રિના રસોઈ બનાવીને જમીને સુતા હતા ત્યારે ચૂલો ચાલુ રહી જતાં પવનના કારણે બળતા લાકડા બોટમાં વેરાયા હતા. આ કારણે અચાનક આગ લાગી અને વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. તેમાં રહેલા ખલાસીઓ પોતાના બચાવ માટે સાથી બોટ પુનિત સાગરને જાણ કરતાં તે બોટ બચાવવા આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધુ હતું. બોટમાં રહેલા સાત ખલાસીમાંથી ત્રણ ખલાસીઓ બળીને ભડથું થઈ ગયા હતા અને ત્રણ ખલાસી દરિયામાં કૂદી પડતાં લાપતા થયા હતા. એક જ ખલાસી ટંડેલ સાદુલ પંચાલ વાઘેલા (32) બચી ગયો હતો. મૃતક ત્રણ ખલાસી સંજય બાંભણિયા-18 વર્ષ, વિજય વાઘેલા-20 વર્ષ, પરબત બાંભણિયા-51 ઉના તાલુકાનો રહેવાસી હતો. ઓખા બંદરે આજે સવારે મૃતદેહ આવ્યો હતો અને પોલીસે લાશનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ માટે દ્વારકા મોકલાવેલ છે. દરિયામાં લાપતા થયેલા પામક સંજય દેગાન (20), બાંભણિયા ભાણા પોલા (44),  વંશ કાનજી અરશી (25)ની શોધ ચાલુ છે.  લાપતા ત્રણ પૈકી ભાણા બાંભણિયા અને સંજય કોળ ગામના છે. જ્યારે કાનાભાઈ કરેડીના છે. તેઓને શોધવા સો બોટ દરિયો ફંફોળી રહી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer