દાણચોરી કેસના નુંધાતડના આરોપીના પ્લોટની સાફેમા જાહેર લીલામી કરશે
ભુજ, તા. 11 : દાણચોરી સંબંધી કેસમાં થયેલી પેનલ્ટી અને ટેક્સની રકમ ભરપાઇ ન થવાના મામલે સાફેમા દ્વારા કબ્જે લેવાયેલા કચ્છના એક જમાનાના દાણચોરી વિશેના કેસના આરોપી મૂળ નુંધાતડ ગામના મીઠુ બાવા પઢિયારના પ્લોટની આગામી તા. 26મી જાન્યુઆરીના અમદાવાદ ખાતે જાહેર લીલામી કરવામાં આવશે.  મૂળ નુંધાતડ (અબડાસા)ના વતની અને હાલે ભુજ રહેતા મીઠુ બાવા પઢિયારનો અંદાજિત 400 વારનો આ પ્લોટ ભુજમાં જયેષ્ઠાનગર વિસ્તારમાં આવેલો છે. આ પ્લોટ ભરતભાઇ ઠક્કર નામની વ્યક્તિને વેચી નાખવામાં આવ્યો હતો. આ  દરમ્યાન સાફેમા દ્વારા નિયમોનુસારની કાયદાકીય કાર્યવાહી  બાદ   પ્લોટ કબ્જે લેવામાં   આવ્યો હતો.  દાણચોરી વિશેના કેસમાં પેનલ્ટી અને ટેક્સની લેણી નીકળતી રકમ વસૂલવા માટે કેન્દ્ર સરકારે ઘડેલા ખાસ કાયદા તળે સાફેમા દ્વારા આ પ્લોટ કબ્જે લેવાયો હતો. હવે આગામી તા. 26/1ના અમદાવાદ ખાતે  આ પ્લોટની જાહેર લીલામી કરવામાં આવશે. સાફેમા દ્વારા લીલામી અંતર્ગત જંત્રીના ભાવ મુજબ પ્લોટની તળિયાની કિંમત પણ જાહેર કરવામાં  આવી છે. જે મુજબ આ પ્લોટની કિંમત રૂા. 37 લાખ થવા જાય છે. જાહેર લીલામીમાં આ આંકડો   વધવાની સંભાવના છે.