વાગડના અભયારણ્યમાં જંગલનો સોથ વાળીને સિરિયલનું શૂટિંગ

ભુજ, તા.11: પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એક ટીવી ચેનલ દ્વારા અભયારણ્ય વિસ્તારમાં સિરિયલનું શૂટીંગ હાથ ધરવામાં આવતાં શૂટીંગ દરમિયાન જેસીબીથી જંગલી ઝાડીનો પણ સોથ વાળવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. રાપર તાલુકાના રવેચી ગામ પાસેના રવેચી મંદિરની નજીકથી મોંણકા ગાંગતાબેટ તરફ જતાં માર્ગ પર સફેદરણનો મોહક નજારો જોઈને ટીવી સિરિયલવાળાઓ મોહિત થયા હતા અને વનવિભાગની પરવાનગી વિના લોકોના ધાડાં અને વાહનોના કાફલાએ આ વિસ્તારને ધમરોડી નાખતાં પ્રકૃતિપ્રેમી અને જાગૃત લોકો દ્વારા તંત્રને પણ જાણ કરાઈ હતી. તંત્ર પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ સિરિયલના શૂટીંગમાં તેની કોઈ પરમિશન આપવામાં આવી નથી. તેવું ખુદ આરએફઓ શ્રીપટેલે જણાવ્યું હતું. પૂર્વ કચ્છમાં સફેદરણના નજારાને આવતાં પ્રવાસીઓ માટેનો પ્રવાહ આ તરફ શરૂ થયો છે. ત્યારે ગેરકાયદેસરની પ્રવૃત્તિએ પણ માથું ઊંચકયું છે. થોડા દિવસ પૂર્વે એકલના સફેદરણમાં દારૂની મોજ માણવાવાળાઓએ મહેફિલ માણી હોવાના દ્રશ્યો જોવા મળ્યાં હતા.  પૂનમની આસપાસ આ વિસ્તારમાં આવનારાઓ માટે ખાસ પ્રકારના લોકો ગુલાબી ઠંડીમાં દારૂની મહેફિલ માણતા હોવાનું જાણવા મળતાં પોલીસ કે સંબંધિત તંત્ર પણ આ તરફ ધ્યાન આપે તેવી લોકમાંગ કરવામાં આવી છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer