મુંદરામાં આયુર્વેદિક દવાના નામે વેચાતા `કેફીપીણાં''ની લત યુવાનને અંતે ભરખી ગઇ

મુંદરા, તા. 11 : આયુર્વેદિક દવાના નામે 11 ટકા આલ્કોહોલ સાથેના `કેફી પીણાં'ની લતે ચડેલા નગરના આશાસ્પદ યુવાનનું અંતે મોત થયું છે. ગઇકાલે મૃત્યુની બનેલી ઘટનાથી જાગૃત નાગરિકો વ્યસનના રવાડે ચડેલા યુવાધનની ચિંતા સાથે રૂા. 100માં છૂટથી વેચાતી હર્બી ફ્લો આસવ નામના કેફી પીણાંની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે, દેશીની 2-3 કોથળી ઘટઘટાવી જનારો વર્ગ પણ પ્લાસ્ટિકમાં પેક હર્બી ફ્લો આસવની નાની એવી બોટલમાં ઢેરી થઇ જાય છે. આ જ પ્રકારનું કેફી પીણું અગાઉ યુ-સ્ટારના નામે વેચાતું હતું. હવે નામ બદલીને બજારમાં આવ્યું છે. કલોલ-ગાંધીનગરમાં તૈયાર થતું આ કેફી પીણું વાસ્તવમાં આદિપુરમાં પ્લાસ્ટિકની બોટલમાં પેક થાય છે. બોટલ ઉપર 11 ટકા આલ્કોહોલ હોવાનું સ્પષ્ટ જણાવાયું છે. આ પીણું જુદા જ પ્રકારના નશાની અનુભૂતિ કરાવે છે. એક વખત આયુર્વેદના રૂપકડા નામે વેચાતું કેફી પીણું પેટમાં ગયા બાદ વ્યક્તિ તેનો બંધાણી થઇ જાય છે. સૂત્રોએ નોંધપાત્ર વિગત આપતાં જણાવ્યું કે, આ પીણાંની અત્યંત વિપરિત અસર લીવર કરતાં ફેંફસા ઉપર વધુ પડે છે.  નગરના આદર્શ ટાવર વિસ્તાર અને બારોઇ રોડ સ્થિત એક ચોક્કસ દુકાનદાર રોજની સેંકડો બોટલો વેચે છે. આ કેફી પીણું જાહેરમાં વેચાય છે. ગઇકાલના બનાવથી સમસમી ગયેલા વર્ગે ઊડતા પંજાબની સાથે હવે ઊડતા મુંદરા બની રહ્યું છે તેવી વિગતો આપતાં જણાવ્યું કે, પંજાબથી આવતી ટ્રકો- ટ્રેઇલરો હાઇવે ઉપર દેશી-વિદેશી શરાબનો જથ્થો હાઇવે ઉપરની હોટલોને પૂરો પાડે છે. ભાર વાહનચાલકો ભાડું અને વધારાના કમિશન સાથે દ્રાક્ષના પાણીની પેટીઓ ઊતારવાનો ધિકતો ધંધ કરી તગડી કમાણી કરે છે. ચા-પાણીના બહાને હાઇવે ઉપર ઊભતી ટ્રકો વાસ્તવમાં તો લાગ જોતી હોય છે કે, માલ ક્યારે ઉતારવો અને હોટલચાલક ઉતારેલા માલને ગણતરીના સમયમાં ક્યાં પહોંચતો કરવો તેનું પાકું લેશન કરી ચૂક્યા હોય છે. અન્ય આવા જ ભળતા નામે વેચાતું કેફી પીણું બોટલની સાથે નાની પડીકી જોડે વેચાય છે. સાદી સોડામાં જેમ નમક-મરીનો મસાલો નાખવામાં આવે છે તેમ આ પીણાંની બોટલમાં સફેદ પડીકી નાખવામાં આવે છે. પરિણામે સામાન્ય કક્ષાનું પીણું માદક દ્રવ્યમાં રૂપાંતરિત થઇ જાય છે.  ચોંકાવનારી વિગતો આપતાં સૂત્રો ઉમેરે છે કે, 29થી 31 ડિસેમ્બર સુધી પરમીટ ધરાવનારા બારરૂમોએ કરોડો રૂા.નો શરાબ આ 3 દિવસમાં વેચી નાખ્યો હતો. સાચી-ખોટી પરમીટ ધરાવનારાના નામે અનેક લેભાગુ તત્ત્વોએ `વટ કે સાથ' શરાબની બોટલોને ગાડીમાં ગોઠવી હતી. ચીનના સાહુકાર બની બેઠેલા સત્તાવારના શરાબ વિક્રેતાઓ પોતાની બોટી માટે આખા બકરાને રહેંસી નાખે છે. નગરની શેરી-ગલીમાં ગઇકાલની મૃત્યુની ઘટનાની ચર્ચાએ જોર પકડયું છે. માત્ર પોલીસ ઉપર આધાર રાખવા કરતાં તંત્રને સ્પષ્ટ અને હિંમતભેર માહિતી આપવા આગળ આવવું જોઇએ તેવી વાત પણ સુજ્ઞ નાગરિકોએ કરી હતી. હર્બી ફ્લો આસવની બોટલ ઉપર સંપૂર્ણ વિગત છાપેલી છે. મૂળમાં ઘા કરવા માટે આટલી વિગત પૂરતી છે તેવું સૂત્રો જણાવતાં ઉમેરે છે કે, લતે ચડેલા યુવાનો આગળ મા-બાપ કે પરિવારજનો તદન લાચાર બની જાય છે. પોતાના પુત્રના ખોટા ઉપરાણાએ બદીને એટલી હદે વકરાવી નાખી છે કે, નશાની લતે વરવી અને વિકટ સામાજિક સમસ્યા ખડી કરી છે. પુત્ર ગુમાવ્યા બાદ કલ્પાંત કરતા પરિવારજનો પથ્થર દિલના ઇન્સાનને પણ પીગળાવી નાખે છે ત્યારે સામૂહિક લોકજાગૃતિ સિવાય મુંદરાને ઊડતા પંજાબની જેમ ઊડતા મુંદરા થતું અટકાવી નહીં શકાય. હર્બી ફ્લો આસવનું કન્ટેઇન શું છે એ સમજી શકાતું નથી. આ અગાઉ કચ્છમિત્રમાં આ પ્રકારની યુ-સ્ટાર બોટલ વિશે સતસવીર અહેવાલ પ્રસિદ્ધ થયો ત્યારે કેફી દ્રવ્યની બોટલનું વેચાણ થોડા સમય માટે બંધ થઇ ગયું હતું. ફરીથી નવા નામ સાથે આ બદીએ માથું ઊંચક્યું છે. જો કે, અહેવાલ પ્રસિદ્ધ થતાંની સાથે વર્તમાન સમયમાં વેચાતી બોટલો બજારમાંથી અપેક્ષા મુજબ ગુમ થઇ જશે તેવી ધારણા છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer