દોઢસો વર્ષ પહેલાં સમંદર પાર ગયેલો પરિવાર પુન: આજે માંડવીમાં અતીત જીવંત કરશે

દોઢસો વર્ષ પહેલાં સમંદર પાર  ગયેલો પરિવાર પુન: આજે  માંડવીમાં અતીત જીવંત કરશે
દેવેન્દ્ર વ્યાસ દ્વારા  માંડવી, તા. 11 : ઓમાનની ધરતી ઉપર દોઢસો વર્ષ પહેલાં વ્યાપારી સામ્રાજ્ય સ્થાપનારા અહીંના ખીમજી રામદાસ પરિવારે અખાતી ભૂમિ ઉપર છ પેઢીઓથી દબદબો જાળવ્યો તોય અતીતને આંખમાં આંજી રાખ્યો છે. ઇ.સ. 1870માં સઢવાળા વહાણમાં અહીંથી સિધાવીને દરિયો ખેડનારા પૂર્વજને સ્મરણાંજલિ આપવી હોય તેમ પારિવારિક બોટ `લૈલા' મારફતે ખીમજી પરિવાર સાગરની સફર ખેડીને અહીંના બંદરે આવી પહોંચશે. 9મીએ સવારે મસ્કતથી વતનની વાટ પકડેલી બોટ 12મીએ બપોરે લાંગરે તે વેળાએ પરિવાર ટ્રસ્ટ સંચાલિત મહાશાળાઓ દ્વારા મોભીઓનો સત્કાર કરાશે. દેશ-પરદેશમાં ધંધાર્થે ઠરીઠામ થનાર હમવતનીઓની ઊગતી પેઢીમાં પ્રસંગોપાત આવાગમનનો ક્રેઝ વધતો રહ્યો છે. બાપ-દાદાઓના ખોરડાઓ, વાડા-ખેતરો વેચીને રોકડી કરનારાઓએ ધડો લેવો પડે તેવી ઘટના 12મી જાન્યુઆરી (ગુરુવાર) આ શહેરમાં આલેખાશે. સાગરની સફર ખેડનાર પૂર્વજે અંકિત કરેલા અર્ધવર્તુળને પૂર્ણાંગી બનાવવાનો પ્રયાસ થશે. ભાટિયા સદ્ગૃહસ્થ રામદાસ ઠાકરશી ચાડ અહીંથી ચોખા, ખાંડ, તેજાનો, કોફી, ચા વગેરેનો કારગો ભરીને સફરે સિધાવ્યા ત્યારે કલ્પનાય નહોતી કે ઉજ્જવળ ભવિષ્યનો શિલાન્યાસ થઇ રહ્યો છે ! એ પહેલાં સઢવાળા વહાણમાં હલેસા મારી દરિયો ખૂંદનાર રામદાસભા એડન, બસરા, દારેસલામ, ઝાંઝીબાર વગેરે આફ્રિકન બંદરોએ નસીબ અજમાવતા. આ દરમ્યાન સલાલા, સુર, મસ્કત `ટ્રેડિંગ પોઇન્ટ' રહેતા. અસ્થાયી વસવાટ દરમ્યાન માલ-સામાનની અદલા-બદલી થતી. એ વેળાએ વહાણોમાં દિવસોના દિવસો (કયારેક મહિનાઓ) વિતાવવા પડતાં. ખજૂર, ખારેક ભરીને વહાણ અહીં પાછા ફરતા. અનુભવ અને કોઠાસૂઝે મસ્કતનું મહત્ત્વ પહેચાન્યું. પિતા રામદાસભાની સૂઝબૂઝ અને અનુભવના બળે (પુત્ર) ખીમજીભાઇએ ઇ.સ. 1870માં મસ્કત ખાતે સૌ પ્રથમ પેઢી (ખીમજી રામદાસ)નો આરંભ કરીને પરદેશમાં ઠરીઠામ થયા. અત્યારે ત્રણ હજાર કરતાંય વધુ કર્મચારીઓ ત્યાં રોટી રળે છે. કાલાંતરે ખીમજી પરિવારની શાખ અને સખાવતને લીધે ધંધાકીય સામ્રાજ્ય નેત્રદીપક રીતે વિસ્તરતું રહ્યું છે. ખીમજી રામદાસ, જમનાદાસ ખીમજી, અલ-તુર્કી જેવા મોટા ગજાંના સાહસો આ પરિવારના છે. દરિયાઇ માર્ગે અતીતને ઉલેચવો, ઉખેડવો હોય તેમ બાપ-દાદાના સાગર રસ્તે 81 વર્ષની જૈફ વયે શેઠ કનકસિંહ (ગોકલદાસ) ખીમજી, કલ્પનાબેન કનકસિંહ, શેઠ અનિલભાઇ (મથરાદાસ) ખીમજી, શેઠ નૈલેશ કનકસિંહ વગેરે ચાર દિવસોની સાગર સફર ખેડીને અહીં 12મીએ મધ્યાહ્ન પહેલાં આવી પહોંચશે એવી જાણકારી અત્રે કારભાર વહન કરતા ભરતભાઇ વેદે આપી હતી. પુરખાઓની સાગર સાહસયાત્રાના સંભારણારૂપે પ્રવાસને મૂલવવામાં આવ્યો હતો. મરવાને વાંકે શ્વાસો ભરી રહેલા અહીંના (એક સમયના) જાજરમાન બંદરને મુડદાલ માનનારાઓ તરફ જાણે ઇશારો કરવો તેમ `ખંડહર કહેતા હે કિ ઇમારત (બંદર) બૂલંદ થી ઔર રહે શકતી ભી હૈ !' ખીમજી પરિવાર ટ્રસ્ટના સંચાલન હેઠળની ત્રણ મહાશાળાઓ, પ્રાથમિક શાળાઓમાં અઢી-ત્રણ હજાર છાત્રોનું પારિવારિક છત્ર મનાતા આ મોભીઓનો સત્કાર કરવા ઉમંગભેર ઉત્સાહે વાતાવરણ જમાવ્યું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer