સુમરાસરના બે શખ્સ બે હજારની 17 બનાવટી નોટો સાથે ઝડપાયા
સુમરાસરના બે શખ્સ બે હજારની   17 બનાવટી નોટો સાથે ઝડપાયા ભુજ, તા. 11 : નોટબંધી દરમ્યાન નવી જાહેર કરાયેલી રૂા. બે હજારના દરની ચલણી નોટોની ઝેરોક્ષ કોપી કરીને તેને વ્યવહારમાં ઘૂસાડવા માટેનો કારસો રચનારા તાલુકાના સુમરાસર ગામના બે શખ્સને પકડી પાડી પોલીસે તેમના આગામી સોમવાર સુધીના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.  આ પ્રકરણમાં સુમરાસર ગામના સત્યમ પ્રવીણ શાહની ધરપકડ કરીને તેના કબ્જામાંથી બે હજારની 17 બનાવટી નોટો કબ્જે કરવામાં આવી હતી. આ પછી આ શખ્સના સાગરીત સુમરાસરના જ ગુરજિત હરજીન્દર સરદાર નામના મૂળ પરપ્રાંતીય શખ્સને પણ પકડી લેવાયો હતો. સત્તાવાર સાધનોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે બાતમીના આધારે પોલીસની જિલ્લા ગુનાશોધક શાખાએ આ ઓપરેશન હાથ ધર્યા બાદ કેસની આગળની તપાસ ભુજ શહેર એ- ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે. તપાસનીશ ફોજદારે બન્ને આરોપીને અદાલત સમક્ષ રજૂ કરીને તેમના આગામી સોમવાર તા. 16મી જાન્યુઆરી સવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.  રિમાન્ડ તળેની પૂછતાછમાં કેસને સંલગ્ન વધુ કડીઓ બહાર આવવાની સંભાવના છે. તો આ પ્રકરણમાં અન્ય કોણકોણ સંડોવાયેલું છે તેની વિગતો ખૂલવાની પણ વકી છે. એલ.સી.બી. દ્વારા આરોપીને શહેરના સંજોગનગર નજીકથી બાઇક ઉપર આંટા મારતો પકડાયો હતો. તેની પાસેથી રૂા. ચાલીસેક હજારની સાચી ચલણી નોટો તથા જી.જે.12-સી.એચ.-6286 નંબરની બાઇક કબ્જે લેવાઇ હતી.