વાયબ્રન્ટમાં વેલસ્પને કર્યા 4000 કરોડના એમ.ઓ.યુ.
ગાંધીધામ, તા. 11 : ગુજરાત સરકાર આયોજિત વાયબ્રન્ટ ગુજરાત-2017માં કચ્છમાં અંજાર નજીક ભૂકંપ બાદ ટેક્સ હોલીડેનો લાભ લઇને સ્થપાયેલા વેલસ્પન ગ્રુપ દ્વારા રાજ્યને ટેક્સટાઇલ હબ બનાવવાની નેમ વ્યક્ત કરવા સાથે રૂા. 4000 કરોડના ત્રણ ટેક્સટાઇલના વિશાળ એકમો ખડા કરવા માટે ત્રણ એમ.ઓ.યુ. ઉપર હસ્તાક્ષર કરાયા હતા. ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઝોન રૂા. 2000 કરોડના ખર્ચે ઊભો કરાશે. કેન્દ્ર સરકારના સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત આ માટે કચ્છની પસંદગી પ્રાથમિક રીતે જૂથે કરી છે. આ યોજના તળે કચ્છમાં સીધી 5000 તથા આડકતરી 15000 રોજગારીની તકોનું નિર્માણ થશે. વેલસ્પન ગ્રુપની એક અખબારી યાદી પ્રમાણે વાયબ્રન્ટ સમિટમાં જૂથના ચેરમેન બી.કે. ગોયેન્કાએ આ એમ.ઓ.યુ.ની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ નવું રૂા. 4000 કરોડનું રોકાણ અમારા ગુજરાત સાથેના લાંબાગાળાના સંબંધોને ઉજાગર કરે છે. અમે આ રાજ્યને ટેક્સટાઇલનું હબ બનાવવા માગીએ છીએ. ભવિષ્યમાં આ ક્ષેત્રે કુશળ સંશોધિત ઉત્પાદનો તથા ટેકનોલોજી વિકસાવવાની દિશામાં આ રોકાણ થશે. ત્રણ પ્રોજેક્ટ પૈકીના કચ્છ પ્રોજેક્ટમાં વ્યાપક, આધુનિક અને ઉત્તમ પ્રકારના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સનું નિર્માણ કરાશે જે વિશ્વકક્ષાની ગુણવત્તા ધરાવતા ટેક્સટાઇલ ઉત્પાદનોની વિશ્વબજારને ભેટ આપશે. રૂા. 1000 કરોડનો વધુ એક પ્રોજેક્ટ વેલસ્પન ગ્રુપ પોતાના હાલના એકમોની ક્ષમતા વધારવાની દિશામાં હાથ ધરશે જેના દ્વારા નવા પ્રકારના ઉત્પાદનો અને તાલીમ દ્વારા કુશળ કામદારો તૈયાર કરાશે. આ ઉપરાંત અવકાશયાત્રીઓ, સંરક્ષણ સાથે સંકળાયેલા લોકો અને ઓટોમોબાઇલ સાથે સંકળાયેલા ક્ષેત્ર માટે અદ્યતન કાપડનું નિર્માણ કરવા સંદર્ભે રૂા. 1000 કરોડનો ત્રીજો પ્રોજેક્ટ વેલસ્પન વિકસાવશે. એક-એક હજાર કરોડના બંને પ્રોજેક્ટ દ્વારા વધુ 6500 જેટલી રોજગારીનું નિર્માણ થશે. ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ અને એરો સ્પેસ ઉદ્યોગ ક્ષેત્ર માટે પસંદ કરાયેલા છ જિલ્લામાં પ્રથમ સ્થાને છે. અત્યાર સુધી ગુજરાતમાં વેલસ્પન ગ્રુપ રૂા. 10,000 કરોડનું રોકાણ કરી ચૂક્યું હોવાથી આ રાજ્યમાં હવે રોકાણનો તેનો આંક 14 હજાર કરોડ થશે. ઉત્પાદન ક્ષેત્રમાં અંજાર-વરસામેડી સ્થિત વેલસ્પન પ્લાન્ટની વિશ્વકક્ષાની સુવિધાઓ વૈશ્વિક સ્તરે એક બેન્ચમાર્ક બની ગયું છે. 30 હજાર લોકોને તેમાંથી રોજગારી મળી રહી છે અને એક લાખથી વધુ લોકોનો સીધી કે આકડતરી રીતે આ ઉદ્યોગથી નિભાવ થઇ રહ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.