ગાંધીધામમાંથી વધુ 27.60 લાખના શંકાસ્પદ ગુટખાનો જથ્થો મળી આવ્યો
ગાંધીધામમાંથી વધુ 27.60 લાખના શંકાસ્પદ ગુટખાનો જથ્થો મળી આવ્યો ગાંધીધામ, તા. 11 : તાલુકાના મીઠીરોહર નજીક આવેલા એક ગોદામમાંથી સરહદી રેન્જની આર.આર. સેલની ટુકડીએ રૂા. 15,60,000ના ગુટખા પકડી પાડયા બાદ આજે કાસેઝ પાછળ એક ગોદામમાંથી આ જ શખ્સના રૂા.27,60,000ના ગુટખાનાં વધુ 115 કાર્ટૂન કબ્જે કર્યાં હતાં. મીઠીરોહર નજીક આર.આર. સેલે ભરત ઠક્કરના ગોદામમાંથી જતિન ભરત બધેકાના કબ્જામાં રહેલા રૂા. 15,60,000ના વિમલ ગુટખા પકડી પાડયા હતા. આ દરોડામાં કુલ્લ રૂા. 22,74,000નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. દરમ્યાન, કાસેઝ પાછળ કિડાણા બાજુ જતા માર્ગ ઉપર આવેલા ખીમજી જેસંગના ગોદામમાં પણ જતિન બધેકાનો વધુ માલ પડયો હોવાની બાતમીના આધારે રેપિડ રિસ્પોન્સ સેલ ત્યાં પહોંચી ગઇ હતી. આ ગોદામમાંથી વિમલ ગુટખાનાં 115 કાર્ટૂન એવી 13,80,000 પડીકી-કિંમત રૂા. 27,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અગાઉના પ્રકરણમાં આ શખ્સ હજુ કોઇ આધારપુરાવા આપી શક્યો નથી તેવામાં વધુ જથ્થો પકડાતાં ભારે ચકચાર પ્રસરી હતી. પકડાયેલી વિમલ ગુટખાની આ પડીકી ઉપર વિષ્ણુ એક્સ્પોર્ટ, ફેસ-2, કાસેઝ, ગોકુલ એસ.ડી.એફ. કોમ્પ્લેક્ષ એવું અંગ્રેજીમાં લખેલું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ શખ્સ જતિન માલને વિદેશ મોકલવાનો હોવાનું રટણ કરે છે ત્યારે ઝોનમાં આવેલી કંપનીના નામે પોતે આ માલ બારોબાર વિદેશ મોકલવાનો હતો કે પછી ઝોનની કંપની કસ્ટમ વગેરેના ટેક્સથી બચવા પોતે બારોબાર આ માલ બતાવીને વિદેશ મોકલવાનો હતો તે સહિતના જટિલ પ્રશ્નો માટે ઝેનની કંપનીના અધિકારીઓનો સંપર્ક કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે. આર.આર. સેલની આ કામગીરીથી સ્થાનિક પોલીસ અને ગુનાશોધક શાખામાં દોડધામ થઇ પડી હતી. શહેરના જી.આઇ.ડી.સી.માંથી સેલની ટુકડીએ દારૂ પકડી પાડયા બાદ સ્થાનિક ગુનાશોધક શાખાએ ખેડોઇમાંથી દારૂનો બેવડો જથ્થો ઝડપી પાડયો હતો. આજની આ કામગીરીમાં કિરીટસિંહ ઝાલા, રામસંગજી સોઢા, જયન્તીભાઇ વાઘેલા, કે.બી. જાડેજા વગેરે જોડાયા હતા.