અ''વાદ ખાતે યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની શિબિરમાં કચ્છ યુનિ.ના છાત્રો ઝળક્યા
અ''વાદ ખાતે યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની  શિબિરમાં કચ્છ યુનિ.ના છાત્રો ઝળક્યા ભુજ, તા. 11 : તાજેતરમાં ઇસરો-ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, અમદાવાદ ખાતે રાષ્ટ્રીયકક્ષાની સેટેલાઇટ બેઇઝડ હાઇક્રોલોજી એન્ડ મોડેલિંગ વિષયે તાલીમ શિબિર યોજાઇ હતી. જેમાં સમગ્ર ભારતમાંથી વિવિધ યુનિવર્સિટીઓ તથા રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાંથી ફક્ત વીસ તાલીમાર્થીઓને પસંદ કરાયા હતાં તેમાંથી કચ્છ યુનિવર્સિટીના જિયોલોજી વિભાગના યશ શાહ, ગૌરવ ચાંદેકર અને હેમાશ્રી ઠક્કરની પસંદગી કરાઇ હતી. આ શિબિર દરમ્યાન તેઓને બેઝિક ઓફ રિમોટ સેન્સિંગ, ઇમેજ પ્રોસેસિંગ, વોટર કવોલિટી મોનિટરિંગ ફ્રોમ સ્પેસ વિ.ની તાલીમ અપાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ તાલીમમાં સામાન્ય રીતે પ્રોફેસરો અને વરિષ્ઠ વિજ્ઞાનીઓને સ્થાન મળ્યું હતું, પરંતુ આ છાત્રો ફક્ત પ્રથમ સેમેસ્ટરમાં જ અભ્યાસ કરતા હતાં અને તેમણે રિસર્ચકક્ષાની આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પ્રમાણપત્ર મેળવી ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી છે. કચ્છ યુનિ.ના આ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર એમ. જી. ઠક્કરે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જણાવ્યું કે, આ તાલીમનો ઉપયોગ આ વિદ્યાર્થીઓ કચ્છમાં  પાણી અંગેના સંશોધન માટે કરવાની નેમ ધરાવે છે.