સત્યમ મિશન અને વાસવાણી શાળાનો વિજય

રતનાલ, તા. 11 : કે.સી.એ. સંચાલિત કચ્છમિત્ર એન્કર કપમાં તુલસી વિદ્યામંદિર-નાના ભાડિયાને હરાવીને સત્યમ મિશન-ગાંધીધામ તેમજ સરકારી ઉ.મા. શાળા-દહીંસરાને હરાવીને મોહનલાલ માનસિંહ વાસવાણી શાળા-આદિપુરે આગેકૂચ કરી હતી. સવારે નવીન આહીરે ટોસ ઉછાળ્યો હતો. નાના ભાડિયાએ સેકન્ડ મેન ઓફ ધ મેચ દેવરાજ રબારીના બે ચોગ્ગા સાથે 14, વિશાલ સોઢાના બે ચોગ્ગા સાથે 10 તથા સૌથી વધુ મિ. એકસ્ટ્રાના 41 રનની મદદથી 17.3 ઓવરમાં 82 રન કર્યા હતા. મેન ઓફ ધ મેચ લલિત ઠાકરેએ 13માં 3, ચેતન વાધે 15માં 3 અને પ્રિન્સ યાદવે 8માં બે વિ. ઝડપી હતી. લલિત ત્યારબાદ બેટિંગમાંય ઝળક્યો હતો અને 45 દડામાં પાંચ ચોગ્ગા અને 1 સિક્સર સાથે 44 રન (અણનમ)ની તેની બેટિંગથી સત્યમ મિશને 16.1 ઓવરમાં 3 વિકેટે લક્ષ્ય આંબ્યું હતું. વિશ્રામ ગઢવીએ એક વિ. ઝડપી હતી. અરવિંદ આહીર અને બી. કે. આહીર અમ્પાયર તથા જગદીશ આહીર સ્કોરર રહ્યા હતા. રતનાલ સરપંચ રણછોડભાઇ આહીર, નવીન આહીર, પ્રવીણ હીરાણી, મહેશ સોનીએ વ્યવસ્થા સંભાળી હતી. પ્રવીણ વેલજી છાંગા (મોદી હોટલ) અને મકનજી વાસણે (મકો) ઇનામ આપ્યા હતા. બપોરની મેચમાં પ્રવીણ વેલજી આહીરે ટોસ ઉછાળ્યો હતો. ત્યારબાદ મેદાન પર ઉતરેલી સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા, દહીંસરાની ટીમ 10.1 ઓવરમાં માત્ર 34 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. મેન ઓફ ધ મેચ મોહન યાદવે 8 રનમાં પાંચ વિકેટ ખેરવતાં મચાવેલા તરખાટ સામે દહીંસરાના બેટધરો ઘૂંટણિયે પડી ગયા હતા. સેકન્ડ મેન ઓફ ધ મેચ રવિ યાદવે પણ 12 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. મોહનલાલ માનસિંહ વાસવાણી શાળા, આદિપુરે માત્ર એક વિકેટે 9.5 ઓવરમાં જ લક્ષ્યાંક પાર પાડી નવ વિકેટે આસાન જીત મેળવી હતી. આદિપુર વતી રાજા ભુપાને 10 રન કર્યા હતા. દીપક બુચિયાએ 1 વિકેટ લીધી  હતી. મોહન અને રવિએ યોગ્ય લાઇન લેન્થ સાથેની બોલિંગ કરી હતી. ઇનામો કેસીએના સહમંત્રી પ્રવીણભાઇ હીરાણી દ્વારા અપાયા હતા. સંચાલનમહેશ સોનીએ કર્યું હતું.    કચ્છમિત્ર કપમાં વધુ ઈનામ જાહેર  ભુજ, તા. 11 : કચ્છમિત્ર એન્કર કપમાં વધુ ઈનામ જાહેર થયા છે. અખિલ ગુજરાત લોહાણા સમાજના યુવા અધ્યક્ષ જયેશ સચદે (બાપા દયાળુ) તરફથી સ્પર્ધાના બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બોલર, બેસ્ટ વિકેટકીપર અને મેન ઓફ ધ સિરીઝ દરેકને ટ્રેક સુટ અપાશે. ભુજના પૂર્વ નગરપતિ રસિકભાઈ મેઘજી ઠક્કર અને પૂર્વ નગરસેવિકા હસ્તાબેન રસિક ઠક્કરની સ્મૃતિમાં તેમના પુત્ર ઘનશ્યામ ઠક્કર (પૂર્વ કાઉન્સિલર) તરફથી ચેમ્પિયન ટીમને રૂા. 2100 અને રનર્સઅપ ટીમને રૂા. 1પ00 રોકડ ઈનામ જાહેર થયા છે.  સ્વ. ભાનુબેન રાજવીર  ગઢવી (લાખિયારવીરા) હસ્તે હરિદાન રાજવીર ગઢવી ભુજ તરફથી મેન ઓફ ધ સિરીઝને 251 તેમજ ફાઈનલમાં બેસ્ટ બેટ્સમેનને રૂા. 2પ1 પ્રોત્સાહન ઈનામ જાહેર કર્યા છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer