ભુજની ટ્રાફિક સમસ્યાનું મૂળ આડેધડ લારીઓ અને રિક્ષાઓ
ભુજની ટ્રાફિક સમસ્યાનું મૂળ આડેધડ લારીઓ અને રિક્ષાઓ પ્રફુલ્લ ગજરા દ્વારા  ભુજ, તા. 11 : જિલ્લાના આ મુખ્યમથકે સંબંધિત તંત્રોના કહેવાતા વ્યાપક પ્રયાસો પછીયે નિયંત્રણમાં આવવાના બદલે ઉત્તરોત્તર વકરતી જતી ટ્રાફિકની સમસ્યાનું મૂળ શહેરમાં ચોમેર આડેધડ ઊભતી હાથલારીઓ અને ઉતારુ રિક્ષાઓ હોવાનું સપાટી ઉપર આવ્યું છે. ઠીક લાગે ત્યાં ગોઠવાઇ જતી છકડા સહિતની રિક્ષાઓ અને રેંકડીઓના બેકાબૂ જમેલાએ આ રાજનગરનો ટ્રાફિકનો નકશો છિન્નભિન્ન કરી નાખ્યો હોવાની ફરિયાદો બહાર આવી છે. તંત્રએ જો નગરની ટ્રાફિક વ્યવસ્થા ઠીકઠાક કરવી હશે તો પહેલાં આ મામલે ગંભીરતાથી નક્કર કાર્યવાહી કરવી પડશે તેવું અનુભવી સૂત્રો જણાવી રહ્યા છે.  આ શહેરને લાગેવળગે છે ત્યાં સુધી લોકોને ચાલવા માટે બનાવવામાં આવેલી મોટાભાગની ફૂટપાથો દબાણમાં આવી ગઇ છે. જેના કારણે લોકો માર્ગ ઉપર ચાલવા મજબૂર બને છે. તેમાંયે આડેધડ ઊભી રહેતી હાથલારીઓ અને રિક્ષાઓ થકી તો ધરતીકંપ બાદ પહોળા બનાવાયેલા રસ્તા પણ અત્યારે સાંકડા બની ગયા છે. હદ તો ત્યાં થઇ છે કે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા જે જગ્યા પાર્કિંગ પ્લોટ તરીકે જાહેર કરવામાં આવી છે ત્યાં પણ લારીઓનો જમેલો ગોઠવાઇ ચૂક્યો છે, તો ખુદ પોલીસ દળની વાણિયાવાડ નાકે આવેલી ટ્રાફિક માટેની ચોકી પણ ચારેબાજુથી રેંકડીઓ વચ્ચે કેદ થયેલી જોવા મળી રહી છે. સવારે એસ.ટી. બસ સ્ટેશનથી જનતાઘર સુધી અને દિવસભર વાણિયાવાડ ચોકથી બજાર ચાવડી સુધીના રસ્તે રહેતી આવી જ પરિસ્થિતિ ટ્રાફિક સંદર્ભી વર્તમાન માહોલ માટે ઘણું-ઘણું કહી જનારી બની રહી છે.  શહેરમાં વિવિધ વિસ્તારોમાં લટાર મારતાં આડેધડ ઊભતી ઉતારુ રિક્ષાઓ અને છકડાઓ બાબતે વ્યાપક ફરિયાદો સાંભળવા મળી હતી. શહેરના કોટ અંદરના વિસ્તાર વાણિયાવાડ ચોકમાં શેઠ ડોસાભાઇ લાલચંદના બાવલા નજીક જ્યાં કાયદેસરનું રિક્ષા સ્ટેન્ડ છે જ નહીં ત્યાં સવારથી સાંજ સુધી સરેરાશ ત્રણથી ચાર રિક્ષા જોવા મળે છે, તો આવી જ હાલત મહેરઅલી ચોક વિસ્તારની છે, જ્યારે એસ.ટી. બસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ ખરાબ હાલત છે. એસ.ટી.ના આઉટ અને ઇનગેટ ઉપર ગેરકાયદે ઊભા રહી જતા રિક્ષાવાળાઓ એવી હાલત સર્જી રહ્યા છે કે એસ.ટી. બસોને આવવા-જવામાં દિવસભર તકલીફ રહે છે. આ સ્થળે નોંધપાત્ર અને ગંભીર બાબત એ બની રહે છે કે બસ સ્ટેશન ખાતે પોલીસની ડયૂટી બાકાયદા રહે છે. આમ છતાં કાયદાના રક્ષકો કઠપૂતળી બનીને આ તમાશો જોયા કરે છે.  બીજી બાજુ શહેરના મુખ્ય બે આંતરિક રિંગ રોડ અનમ અને છઠ્ઠીબારી ખાતે તો એવી હાલત જોવા મળી રહી છે કે ભૂકંપ બાદ બનેલા આ બન્ને પહોળા રિંગ રોડ અત્યારે ગામડાની સાંકડી શેરી સમાન ભાસી રહ્યા છે. ખાણીપીણીવાળી દુકાનની આગળ રેંકડી ઊભી રાખીને ફૂટપાથ દબાવી ચૂક્યા છે, તો બાકી બચેલા માર્ગને રિક્ષાઓ સાંકડો બનાવી ચૂકી છે. આ બન્ને રિંગ રોડ ઉપર દિવસભર અનેકવાર ટ્રાફિક જામ સહિતના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે, જેની સામે તંત્ર ધારી કામગીરી કે પરિણામ હજુ લાવી શક્યું નથી.  કાયદાના રક્ષકો અને આર.ટી.ઓ. તંત્રની જાણે સરેઆમ ઠેકડી ઉડાવી રહ્યા હોય તેમ વી.ડી. હાઇસ્કૂલ નજીક રિક્ષાવાળાઓ દ્વારા ફૂટપાથ ઉપર સ્ટેન્ડ બનાવી નાખવામાં આવ્યું છે. અહીં સ્થિતિ એવી રહે છે કે શાળાઓમાં રજા પડવા સમયે અરાજકતાભરી સ્થિતિ ઊભી થાય છે, તો આ સ્થળથી નજીકમાં કચ્છમિત્ર ચકરાવા ખાતે કાર્યરત ગેરકાયદે લક્ઝરી સ્ટેન્ડ આસપાસ તો મનફાવે ત્યાં ગોઠવાઇ જતા રિક્ષા અને છકડા વાળાઓએ જાણે સમગ્ર વિસ્તાર બાનમાં લઇ લીધો છે. આના કારણે ચકરાવા ખાતેથી વળાંક લઇને અંદર આવવામાં કાર તો ઠીક, બે પૈડાંવાળા વાહનને પણ તકલીફ થાય છે.   દરમ્યાન, ટ્રાફિક નિયમન અને આ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા માટે શહેર ઉપરાંત પોલીસની જિલ્લા ટ્રાફિક શાખા પણ કાર્યરત છે, પણ આ શાખાઓ અને તેના સ્ટાફ મહિનાનો ટાર્ગેટ પૂરો કરવામાંથી જ નવરા પડતા નથી, જેના કારણે રિક્ષાઓ અને લારીઓ બાબતે ધ્યાન જ આપી શકાતું નથી. આ ઉપરાંત આક્ષેપ એવા થાય છે કે રેંકડીવાળાઓ પાસેથી મફતમાં મળતી વસ્તુઓ અને ચોક્કસ રકમના નજરાણાને લઇને પણ તંત્ર ધાર્યું કામ કરવામાં ઊણું ઊતરી રહ્યું હોવાની છાપ અને ફરિયાદો સપાટી ઉપર આવી છે.  જિલ્લાકક્ષાએથી ડ્રાઇવ જાહેર થાય ત્યારે કે માર્ગ સલામતી કે સુરક્ષા સપ્તાહ જેવા સમયે કાર્યવાહી બતાવવા માટે કામ કરતું તંત્ર જ્યાં સુધી રિક્ષાઓ અને લારીઓ બાબતે ગંભીર નહીં બને ત્યાં સુધી આ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સાત સિગ્નલ ચાલુ કરવા છતાંયે નહીં સુધરે તેવો સ્પષ્ટ મત અનુભવીઓ આપી રહ્યા છે.  બીજી બાજુ શહેરની આ સમસ્યાનો પડઘો પાડતા મહેરઅલી ચોક વિસ્તારના વેપારીઓ વતી સુધરાઇના મુખ્ય અધિકારી પાસે લેખિતમાં ફરિયાદ-રજૂઆત કરાઇ હતી. ખાસ કરીને મહેરઅલી ચોક તથા વાણિયાવાડ ચોકથી શરાફ બજાર સુધી આડેધડ અને દુકાનોની આડે ઊભતી લારીઓ બાબતે આ અરજીમાં ફરિયાદ કરાઇ હતી અને મહેરઅલી ચોકને માત્ર પાર્કિંગ ઝોન તરીકે વિકસાવવામાં આવે તેવી માગણી કરાઇ હતી.