કન્યાઓને દરેક ક્ષેત્રે આગળ વધી સિદ્ધિ પ્રાપ્ત કરવા હાકલ
ભુજ, તા. 11 : ભુજના કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કન્યા સંસ્કારધામમાં રમત-ગમત અને વિજ્ઞાનક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત વિદ્યાર્થિનીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. ચાલુ વર્ષ દરમ્યાન સંસ્થાની દીકરીઓ રમત-ગમત તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં રાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાએ મેળવેલી સિદ્ધિઓને બિરદાવવા માટેના કાર્યક્રમનું કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ હરિભાઈ હાલાઈના પ્રમુખપદે આયોજન કરવામાં આવ્યું હતું. દાતાઓ કાનજી કુંવરજી વરસાણી (નાઈરોબી), કરશન લાલજી  વેકરિયા (નાઈરોબી), લક્ષ્મણ મૂરજી હાલાઈ (કમ્પાલા), નાનજી કાનજી પિંડોરિયા (ભુજ), દેવશી કરશન હાલાઈ (ગોડપર)ના હસ્તે બિરદાવવામાં આવ્યા હતા. વિદેશથી આવેલા મહેમાનો પૈકી વિનોદભાઈ હાલાઈ (યુ.કે.), વિજયાબેન હાલાઈ (યુ.કે.), ધનબાઈ કાનજી વરસાણી (નાઈરોબી), હેલન સ્મિથ (ઓસ્ટ્રેલિયા), કિરીટ કરશન વેકરિયા (યુ.કે.) હેમંત વાલજી વેકરિયા (યુ.એસ.એ.), દીપક અને કાર્તિક લક્ષ્મણ હાલાઈ તેમજ વિશ્રામ જાદવા વરસાણી પરિવાર (સિશલ્સ) હાજર રહ્યા હતા.  કન્યા વિદ્યામંદિરના ગણિત-વિજ્ઞાન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્યાના પ્રોત્સાહનથી એક વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 41 કૃતિઓમાં 70 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. પ્રારંભમાં મહેમાનોનો પરિચય સંસ્થાના સહમંત્રી કેસરાભાઈ પિંડોરિયાએ આપ્યો હતો. સંસ્થાની દીકરીઓએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આર.એસ.હીરાણી, વિશ્રામભાઈ વરસાણી તથા કચ્છી લેવા પટેલ એજયુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ અરજણભાઈ પિંડોરિયાએ દીકરીઓને પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. દીકરીઓ દરેક ક્ષેત્રે આગળ વધે અને સિદ્ધિઓ પ્રાપ્ત કરે એવી શીખ આપી હતી. સંસ્થાના ખજાનચી ગોપાલભાઈ ગોરસિયા, ઈશ્વરભાઈ પિંડોરિયા તથા સમાજના મંત્રી રામજીભાઈ સેંઘાણીએ સહયોગ આપ્યો  હતો. સંચાલન સંસ્કારધામના ગૃહમાતા ખુશ્બૂબેન શિયાળવાલાએ કર્યું હતું.