ઓસવાલ પરિવાર તરફથી ભુજની લાયન્સ હોસ્પિટલને ડાયાલિસીસ મશીન
ઓસવાલ પરિવાર તરફથી ભુજની લાયન્સ હોસ્પિટલને ડાયાલિસીસ મશીન ભુજ, તા. 11 : ભારતમાં ઉદ્યોગજગતમાં નામના ધરાવતા અરુણા અભય ઓસવાલ ટ્રસ્ટના અભય ઓસવાલનું નિધન થતાં તેમની યાદમાં તેમનાં પત્ની અરુણાબેન તરફથી રૂા.6.50 લાખનું ડાયાલિસીસ મશીન અહીંની એલએનએમ લાયન્સ હોસ્પિટલમાં ચલાવાતા ડાયાલિસીસ યુનિટ માટે દાન મળતાં લોકાર્પિત કરાયું છે.  અરુણા ઓસવાલ હાલે લાયન્સ ક્લબ્ઝ ઈન્ટરનેશનલના ડાયરેક્ટર તરીકે સેવા આપી દુનિયામાં લાયન્સની કામગીરી નિહાળી રહ્યાં છે. તેઓએ ભુજ લાયન્સ હોસ્પિટલની મુલાકાત દરમ્યાન કિડની ડાયાલિસીસનું કામ જોઈ પ્રભાવિત થયા હતા ત્યારે તેમણે તેમના સ્વ.પતિ અભય ઓસવાલની સ્મૃતિમાં આ હોસ્પિટલને સાડા છ લાખની રકમનું ડાયાલિસીસ મશીન દાનમાં આપ્યું હતું.  આ ડાયાલિસીસ મશીનનું કચ્છ જિલ્લા કલેક્ટર એમ.એ. ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પટેલ તેમજ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શ્રી ઝાલાએ વિધિવત્ રીતે દર્દીઓની સેવા માટે લોકાર્પણ કર્યું હતું.  આ પ્રસંગે લાયન્સ પરિવારના સદસ્યો સાથે જિલ્લાના અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ અને હોસ્પિટલના ચેરમેન ભરત મહેતા ઉપસ્થિત રહ્યા હતા તેવું હોસ્પિટલના મીડિયા કન્વીનર નવીન મહેતાની યાદીમાં જણાવાયું છે.