કંડલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં રાજ્ય સરકારની ભાગીદારી
કંડલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં રાજ્ય સરકારની ભાગીદારી ગાંધીધામ, તા. 11 : રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત વાયબ્રન્ટ સમિટ-2017માં કંડલા પોર્ટના સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટીના સ્ટોલનું ઉદ્ઘાટન થયા બાદ કંડલાના સ્માર્ટ સિટી પ્રકલ્પ અંતર્ગત કંડલા પોર્ટ અને રાજ્યના ઉદ્યોગ મંત્રાલય વચ્ચે સમજૂતી કરાર થયા હતા.પોર્ટ દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ચેરમેન રવિ પરમારના વડપણ હેઠળ કે.પી.ટી.ની ટીમે વાયબ્રન્ટ સમિટમાં ભાગ લીધો છે. આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ કે. કૈલાસનાથનની ઉપસ્થિતિમાં કે.પી.ટી. અને રાજ્યના ઉદ્યોગ મંત્રાલય વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અંગેના કરારો થયા હતા. કે.પી.ટી. વતી ચેરમેન રવિ પરમારે અને ઉદ્યોગ મંત્રાલય વતી ઉદ્યોગ કમિશનર મમતા વર્માએ કરારો પર સહી કરી રાજ્ય સરકારનું ઉદ્યોગ મંત્રાલય અને અન્ય એજન્સીઓ કંડલા ખાતેના સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી અંગે નીતિ મુજબ મંજૂરીની સુવિધા આપશે.