ઉદ્યોગો વ્યવસાયવેરો ગુપચાવે છે ?

ભુજ, તા. 11 : ઉદ્યોગોએ વ્યવસાયવેરો ગ્રામ પંચાયતોમાં ભરવાનો હોય છે. કેટલાક ઉદ્યોગો કર્મચારીઓના પગારનો વ્યવસાયવેરો ભરે છે પણ પોતાનો વ્યવસાયવેરો નથી ભરતા. અમારી હેડ ઓફિસમાંથી સરકારને ભરાય છે તેમ જણાવી દેવાય છે. સરકારને ભરાયેલો આ વેરો ગ્રામ પંચાયતને મળતો ન હોવાથી ગ્રામ પંચાયતે આવક ગુમાવવી પડે છે. આવી આવકના સ્રોતની માહિતી નવનિયુક્ત સરપંચોને મળી રહે તે માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે તજજ્ઞોને નિમંત્રી માર્ગદર્શક સેમિનાર યોજવા જોઇએ તેવો એક અનુભવીએ મત વ્યક્ત કર્યો હતો. આ તજજ્ઞે જણાવ્યું હતું કે, ઉદ્યોગોની કિંમત ઉપર મિલકતવેરો વસૂલવાનો થતો હોવા છતાં સામાન્ય લેવાય છે તે પૂરતો નથી. ઉપરાંત બે હજારથી વધુ વસ્તીવાળા ગામ માટે ઘરોઘર કચરો ઉઘરાવવા પેટે વ્યક્તિદીઠ બે રૂપિયા દરમહિને સરકાર આપે છે આની અમલવારી બહુ ઓછા ગામોમાં થાય છે. સફાઇ વેરાની 90 ટકા વસૂલાત કરનારી ગ્રામ પંચાયતને સરકાર 100 ટકા સફાઇ વેરાની ગ્રાંટ આપે છે તેની જાણકારીના અભાવે  સફાઇ વેરાની કડક ઉઘરાણી થતી નથી. તો વળી કેટલાક ગામોમાં મિલકત વેરો ઓછો કરી સફાઇ વેરો ઊંચો વસૂલાય છે જેથી આવી ગ્રાંટ વધુ મળે. મનરેગા હેઠળ દબાણવાળા વિસ્તારમાં પણ શૌચાલય બનાવવાની યોજના છે તેનો લાભ લેવાય, ઉપરાંત આંતરિક કાચા રસ્તાને મેટલ રોડ બનાવી શકાય છે. સો ટકા સરકારની ગ્રાંટ છે. બાદમાં સિમેન્ટ રોડ બનાવવાનો ખર્ચ ઘટી શકે છે. વેપારીઓને વ્યવસાય વેરાની નોંધણી કરાવવી ફરજિયાત છે. બેંકમાં કરંટ ખાતું ખોલાવવા કે ચાલુ હોય તેમાં બેંકો દ્વારા વ્યવસાય વેરા નોંધણી મેળવવાનો આગ્રહ રાખે તો ગ્રા.પં.ની વસૂલાત આપોઆપ વધી જાય. આવી ગ્રા.પં.ની આવકના સ્રોતોની માહિતી અપાય તો ગ્રામ વિકાસના કાર્યો સુગમતાથી થઇ શકે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer