વિધર્મી યુવક દ્વારા સંબંધ રાખવા કરાતા દબાણથી વિરાણીની કન્યાએ આપઘાત કર્યો

ગઢશીશા (તા.માંડવી), તા. 11 (પ્રતિનિધિ દ્વારા) : નજીકમાં આવેલા તાલુકાના નાની વિરાણી (ગઢ) ગામે ગઇકાલે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેનારી સતર વર્ષની વયની કિશોરી કલ્પનાબેનના આ પગલાં પછવાડે વિધર્મી યુવક દ્વારા બળજબરીથી સંબંધ રાખવા અપાઇ રહેલો ત્રાસ જવાબદાર હોવાનું બહાર આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે મરનારના પરિવાર દ્વારા ગઢશીશા ગામના સિકંદર હુશેન રાયમા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આ કિસ્સામાં આપઘાત કરનારી કલ્પનાબેનના બકરા ચરાવવાનો વ્યવસાય કરતા પિતા પ્રવીણ ઉર્ફે ડાયાલાલ ખીમજી ચાવડા (દલિત)એ આજે અત્રેના પોલીસ મથકમાં સિકંદર રાયમા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 305 અને એટ્રોસીટી મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. ગઢશીશા પોલીસે ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસના અનુ.જાતિ-જનજાતિ સેલના નાયબ પોલીસ અધીક્ષક દ્વારા કેસની તપાસ હાથ ધરાઇ છે. આજે સાંજ સુધીમાં આરોપીની ધરપકડ કરાઇ નથી. ફરિયાદમાં લખાવાયા અનુસાર આરોપી સિકંદર મરનાર કલ્પનાને પોતાની સાથે સંબંધ રાખવા માટે અવારનવાર કહીને  આ માટે દબાણ કરતો હતો. તેની આ હરકતો વધીને ત્રાસરૂપ બન્યા બાદ આ ત્રાસ સહન ન થતાં મરનારે ત્રસ્ત બનીને આત્મહત્યા કરી લેવાનો માર્ગ અપનાવ્યો હતો.  વિધર્મી યુવક દ્વારા પરાણે સંબંધ બાંધવાના થતા દબાણને લઇને કિશોર વયની કન્યા દ્વારા મોત વહાલું કરી લેવાના આ કિસ્સા થકી સમગ્ર પાંચાડામાં અરેરાટી વ્યાપી છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer