ઉચાપતના કેસમાં નાગલપરના માજી પેટા પોસ્ટ માસ્તરની જામીન અરજી રદ
ભુજ, તા. 11 : ગ્રાહકો અને રોકાણકારોનાં નાણાં રૂા. 3.15 લાખની હંગામી ઉચાપત કરવાના કેસમાં પકડાયેલા માંડવી તાલુકાના નાગલપર ગામના માજી સબ પોસ્ટ માસ્તર પ્રવીણ પ્રેમજી ચુંઇયા (મહેશ્વરી)ની ચાર્જશીટ બાદની નિયમિત જામીન અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી.  ત્રણેક મહિના જૂના આ ઉચાપત કેસમાં કેસનું આરોપનામું કોર્ટમાં રજૂ થયા બાદ આરોપી માટે નિયમિત જામીન અરજી અત્રેના દશમા અધિક સેશન્સ જજ એસ.સી. અધ્યારુ સમક્ષ મુકાઇ હતી. ન્યાયાધીશે ગુનાની ગંભીરતા અને સજાની જોગવાઇ જેવાં પાસાં ધ્યાને રાખીને જામીન અરજી નામંજૂર કરતો આદેશ કર્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ મયૂર પુરોહિત હાજર રહ્યા હતા.