નુંધાતડ ગામ નજીક ટ્રકની ટકકર થકી બાઇક ચાલક ઠેકેદારનું મોત

નુંધાતડ ગામ નજીક ટ્રકની ટકકર થકી બાઇક ચાલક ઠેકેદારનું મોત
કોઠારા (અબડાસા), તા. 11 (પ્રતિનિધિ દ્વારા) : તાલુકામાં નુંધાતડ ગામ નજીક બાઇકને સિમેન્ટ ભરીને જતી ટોરસ ટ્રકની ટકકર લાગતાં સર્જાયેલા અકસ્માતમાં કનકપુર ગામના વ્યવસાયે ઠેકેદાર એવા દિનેશ રતનશીં રામાણી (ઉ.વ.36)ને મોત આંબી ગયું હતું. અકસ્માત બાદ ટ્રક નસાડી જનારો ચાલક બાદમાં આ ભારવાહક વાહન કોઠારા નજીક નધણિયાતું છોડીને ભાગી ગયો હતો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ આ કિસ્સામાં ભોગ બનનારા દિનેશ રામાણી તેમની બાઇકથી જઇ રહ્યા હતા ત્યારે આજે બપોરે 1.45 વાગ્યાના સુમારે તેમને નુંધાતડ ગામ નજીક વડવાઇ તળાવ પાસે આ અકસ્માત નડયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આ ઠેકેદારને મોથાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી વધુ સારવાર માટે ભુજ ખસેડાઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમનો જીવનદીપ બુઝાઇ ગયો હતો. ભુજની જનરલ હોસ્પિટલ ખાતે તેમને મૃત જાહેર કરાયા હતા.  અકસ્માત બાદ સિમેન્ટ ભરેલી ટ્રકને તેનો ચાલક નસાડી ગયો હતો. બાદમાં કોઠારા ગામ નજીક પુલિયા પાસે આ વાહન બિનવારસુ છોડીને ચાલક ભાગી છૂટયો હતો. કોઠારા પોલીસે આ ટી.સી. ટ્રક કબજે કરી છે. તો ચાલક સામે ગુનો દાખલ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાન વયના ઠેકેદારનું અકસ્માતે મૃત્યુ થતાં કનકપુર તથા આસપાસના ગામોમાં શોકની લાગણી ફેલાઇ છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer