ગામ વચ્ચેથી દોડી રહેલા ઓવરલોડ વાહનો દહીંસરા માટે બન્યા સમસ્યા
ગામ વચ્ચેથી દોડી રહેલા ઓવરલોડ વાહનો દહીંસરા માટે બન્યા સમસ્યા દહીંસરા (તા. ભુજ), તા. 11 : આ ગામની મધ્યમાંથી ભુજ-માંડવી અને કેરા-મુંદરા, ગઢશીશા તરફ જવાના માર્ગ પર છેલ્લા કેટલાક માસથી ઓવરલોડ 14 પૈડાંવાળાથી 20 પૈડાંવાળા વાહનો પસાર થતાં હોવાથી લોકો સાથે નાના બાળકો માટે જોખમી બન્યાની અનેક ફરિયાદો ઊઠી છે. દહીંસરાની ઉત્તર દિશા તરફ ભુજ ધોરીમાર્ગ, પશ્ચિમ તરફ ગઢશીશા, નખત્રાણા, નલિયા, દક્ષિણ તરફમાં માંડવી અને પૂર્વ દિશા તરફ કેરા, મુંદરા જેવા ગામની મધ્યમાંથી એક કિ.મી.  પાકી સડક પસાર થતાં આ માર્ગ નાના-મોટા વાહનોથી રાત-દિવસ સતત ધમધમે છે. બેફામ દોડતા વાહનોમાં વધારો થતો જાય છે. લોકોના જીવ પડીકે બંધાયા છે. ઓવરલોડ ફુલ સ્પીડમાં વાહનો પસાર થાય છે. 14 પૈડાંથી દસ પૈડાંવાળા સાથે મોટા વાહન દિન-દહાડે પસાર થતાં ટ્રાફિકજામ થાય છે. આ માર્ગો ઉપર બાલમંદિર, કુમાર-કન્યાશાળા, હાઇસ્કૂલ, આંગણવાડી, લેથ મશીનો, કારખાના, દવાખાનાઓ, પીજીવીસીએલ કચેરી, ગેટકો સબ સ્ટેશન, ટેલિફોન એક્સચેન્જ, ગામ પંચાયત કચેરી, બેન્કો, પોસ્ટ ઓફિસ, મંદિરો આવેલા હોવાથી અકસ્માતનો ભય વધી ગયો છે. સડકની બંને બાજુઓ શેરીઓ આવેલી છે. તેમાંથી દ્વિચક્રી વાહન નીકળતાં જીવ અદ્ધરતાલ થઇ જાય છે. લવરમુછિયા આડેધડ વાહનો દોડાવીને ટ્રાફિક નિયમોનો છડેચોક ભંગ કરતાં નજરે પડે છે. ટ્રાફિક સમસ્યા રોજિંદી બની જવાથી માથાના દુ:ખાવારૂપ સાબિત થઇ છે. નાના-મોટા અકસ્માતો સાથે જીભાજોડીના બનાવોથી પ્રજા ત્રાસી ગઇ છે.