ગામડાઓ ભૌતિક અને નૈતિક વિકાસથી સજ્જ જરૂરી

ગામડાઓ ભૌતિક અને નૈતિક વિકાસથી સજ્જ જરૂરી
ભુજ, તા. 11 : રાપર વિધાનસભા મતવિસ્તારના નવનિર્વાચિત સરપંચોના યોજાયેલા સત્કાર-સન્માન કાર્યક્રમમાં ગામડાઓને ભૌતિક અને નૈતિક વિકાસથી સજ્જ કરવાની શીખ અપાઇ હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી આ વિસ્તારના ધારાસભ્ય પંકજભાઇ મહેતાએ ટાઉનહોલ ખાતે સરપંચોને શીખ આપતાં કહ્યું હતું કે, માત્ર ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભા કરવાથી વિકાસ નથી થઇ જતો, વિકાસ સાથેસાથે નૈતિક મૂલ્યોનું જતન પણ જરૂરી છે. દરેક  ગામમાં ચૂંટણી દરમ્યાન પ્રતિસ્પર્ધીઓ સાથે કોઇ ભેદભાવ રાખ્યા વિના તેમના વિસ્તારમાં પાણી, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓને અગ્રતા ધોરણે જાળવવા અનુરોધ કરતાં, વધુમાં કોઇ પણ અરજદાર પંચાયતમાં દાખલો લેવા આવે ત્યારે ભેદભાવ વિના તરત જ ન્યાય આપવા સરપંચોને તેમણે અપીલ કરી હતી. તાજેતરમાં ભાજપ પ્રેરિત બનેલી પંચાયતોમાં સરપંચો સૂચવે તે કામ માટે રૂા. 2 લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરતાં ધારાસભ્ય શ્રી મહેતાએ જ્યાં ભાજપના સરપંચો નથી ચૂંટાયા તે ગામોમાં 2 લાખને બદલે રૂા.  2.50 લાખ રૂપિયા વિકાસકામો માટે ભાજપના ઉમેદવાર સૂચવે તે કામ માટે ફાળવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભુજ વિભાગના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ પોતાના સંબોધનમાં ધારાસભ્ય શ્રી મહેતાએ વાગડના વિકાસ અને નર્મદા યોજના માટે રાત-દિવસ જોયા વિના કરેલા સંઘર્ષને બિરદાવ્યો હતો. ગોપાલક વિકાસ નિગમના અધ્યક્ષ અરજણભાઇ રબારીએ ચૂંટણીનાં પરિણામોની સમીક્ષા કરી પ્રજાએ કોંગ્રેસ મુક્ત ભારતની દિશામાં આપેલા ચુકાદાની સરાહના કરી હતી, જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી દિલીપભાઇ ત્રિવેદીએ કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા સરપંચોને એકજૂટ થઇ લોકો અને ગ્રામ્યવિકાસ માટે કાર્ય કરવાની શીખ આપી હતી. જિલ્લા ભાજપ મહામંત્રી અને સરહદ ડેરીના અધ્યક્ષ વલમજીભાઇ હુંબલે કહ્યું હતું કે, રાજ્ય સરકારે ગ્રામ્ય વિકાસને વેગ આપવા નાણાપંચની ગ્રાન્ટના નાણાં સીધા પંચાયતોને આપવાનો નિર્ણય કર્યો છે, વિકાસ માટે હવે પંચાયતોને નાણાંની કોઇ કમી નહીં રહે. તાલુકા પંચાયતના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, રાપર તાલુકા ભાજપ મહામંત્રી અનોપસિંહ જાડેજા, ભચાઉ તાલુકા ભાજપ મહામંત્રી વાઘજીભાઇ છાંગા, મોરારદાનભાઇ ગઢવી પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભાજપ અને ક્ષત્રિય સમાજના અગ્રણી વીરેન્દ્રસિંહ જાડેજા, રાડાના ચેરમેન કેશુભા વાઘેલા, જિ.પં. ઉપાધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ગોવિંદભાઈ કોઠારી, મહેન્દ્રભાઈ પરમાર, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ જનકસિંહ જાડેજા,   નરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ તા.પં. પ્રમુખ શીતલબેન છાંગા, રાપર નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન કારોત્રા,  વાડીલાલભાઇ સાવલા, ભાડાના ચેરમેન વિકાસભાઇ રાજગોર, કે.ડી.સી.સી. બેંકના ડાયરેકટર ઘનશ્યામભાઇ પૂજારા, ભચાઉ એ.પી.એમ.સી. પ્રમુખ ભરતસિંહ જાડેજા, નરેન્દ્રદાન ગઢવી, કરશનભાઇ મંજેરી, રાપર ન.પા. ઉપપ્રમુખ હઠુભા સોઢા અને બન્ને તાલુકામાંથી આગેવાનો, સરપંચો અને પંચાયતની ટીમના સભ્યો હાજર રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer