ભુજ દર્શનની બસ ભંગારનો વાડો ચોક્કસ જોશે તેવી ટિપ્પણી
ભુજ દર્શનની બસ ભંગારનો વાડો ચોક્કસ જોશે તેવી ટિપ્પણી ભુજ, તા. 11 : વર્ષોથી ટાઉનહોલમાં પડેલી ભુજ દર્શન બસ હવે થોડા સમયમાં જ ભંગારમાં વહેંચવા લાયક થઇ જશે. ઉમદા આશય સાથે અપાયેલી આ બસે હજુ સુધી એક પણ સ્થળ નથી જોયું પરંતુ ભંગારનો વાડો ચોક્કસ જોશે તેવી નારાજ શહેરીજનો ટિપ્પણી કરી રહ્યા છે.  ભુજ શહેરના જોવાલાયક સ્થળો પ્રવાસીઓ નિહાળી શકે તે માટે વર્ષો પહેલાં ફાળવાયેલી ભુજ દર્શન બસ હવે થોડા સમયમાં જ ભંગારમાં વેચવા લાયક થઇ જશે. એક તરફ સરકાર પ્રવાસનને વેગ આપવાની વાતો કરે છે ત્યારે સુધરાઇ અને આર.ટી.ઓ. વચ્ચે  પાસિંગના મુદ્દે અટવાયેલી બસના પૈંડા વરસોથી ટાઉનહોલમાં થંભી ગયા છે. જો કે, હવે તો આ વિવાદ ઉકેલાય તો પણ પહેલાં તો બસનો મરંમત ખર્ચ કેટલો થશે તે જાણ્યા બાદ જ તેને પ્રવાસીઓ માટે શરૂ કરવી હિતાવહ રહેશે. ક્યાંક ઘાટ કરતાં ઘડામણી વધુ જેવો તાલ ન સર્જાય.  2014ના અંત સુધી વ્યાજ અને દંડ માફીનો પ્રશ્ન વણઉકેલ્યો રહ્યા બાદ આ અંગે હવે કલેકટર સમક્ષ રજૂઆત સાથે આ પ્રશ્નનો ઉકેલ લાવવા પ્રયાસ કરાશે તેવું ભુજ સુધરાઇના પ્રમુખ અશોક હાથીએ જણાવ્યું હતું. ખરેખર તો આ સમગ્ર ભુજનો પ્રશ્ન છે ત્યારે તમામ નગરસેવકો પણ આ મુદ્દે રસ લે અને સાથે મળી ધારદાર રજૂઆત કરે તેવું ભુજવાસીઓ ઇચ્છી રહ્યા છે.