દારૂ પીધેલો ડ્રાઇવર સસ્પેન્ડ : કટકીબાજ કંડક્ટર પકડાયો

ભુજ, તા. 11 : એસ.ટી.માં શરાબ પીને બસ ચલાવનારા ડ્રાઇવરો સામે કડક કાર્યવાહી થતી હોવા છતાં પ્યાસીઓ દારૂ છોડતા નથી અને વિભાગીય નિયામકે હવે તાત્કાલિક સસ્પેન્શન કરવાનો નિર્ણય લીધો છે. ગઇકાલે ભચાઉ ડેપોના ચાલક વનરાજસિંહ એન. જાડેજા દારૂ પીને પ્રવાસી ભરેલી બસ ચલાવતા હોવાનું જાણવા મળતાં વિભાગીય નિયામક ભૂપેન્દ્ર ચારોલાએ તેમને આજે જ સસ્પેન્ડ કરી નાખ્યા હતા. ભુજ-દાહોદ રૂટની બસમાં ફરજ બજાવતા આ ચાલકને ફરજ મોકૂફ કરી તેમની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. બીજીતરફ આજે રાપર-મોટી રવ રૂટની બસમાં કંડક્ટર વિરમ અમર જેઠવાએ 10 પ્રવાસીઓ પાસેથી 14 રૂપિયા લેખે રૂા. 140 લઇ લીધા પછી ટિકિટ નહીં આપતાં મોટી રવ ખાતે ચેકિંગ ટીમે આ કટકીબાજ કંડક્ટરને પકડી પાડયો હતો. એસ.ટી.ના ડી.એસ.આઇ. મનીષ વૈદ્ય, મુંદરા ડેપો મેનેજર વી. બી. ગુંસાઇ, ટી.આઇ. જટુભા જાડેજાની ચેકિંગ ટીમે હાથ ધરેલી કાર્યવાહી દરમ્યાન કંડક્ટરને પકડવામાં આવ્યા હતા. વિભાગીય નિયામક શ્રી ચારોલા તથા અધિકારી મનજીભાઇ પરમારે આ કામદાર સામે ઉચાપતની કાર્યવાહી હાથ ધરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer