`કાંટા વિનાના થોર'' વિશે ભુજમાં સર્વપ્રથમ રાષ્ટ્રીય સમીક્ષા યોજાશે
ભુજ, તા. 11 : કાંટા વિનાના થોર (થ્રોનલેસ કેક્ટ્સ પીઅર)નું કચ્છ સહિત દેશમાં પશુઓના ચારા તરીકે મહત્ત્વ વધી રહ્યું છે ત્યારે આ થોરનું સંવર્ધન અને પ્રસાર કરી રહેલી `કાઝરી' તરીકે ઓળખાતી સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઈન્સ્ટિટયૂટ દ્વારા આગામી 16 જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે દેશના 100 જેટલા તજજ્ઞોની ઉપસ્થિતિમાં ભુજમાં સર્વપ્રથમ રાષ્ટ્રીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કાઝરીના ગુજરાતમાં એકમાત્ર એવા કુકમા નજીકના પ્રાદેશિક સંશોધન મથકના નેજા હેઠળ આયોજિત થનારી આ બેઠક અંગે કાઝરી-કુકમાના વડા ડો. દેવીદયાલે કહ્યું હતું કે, થોર વિશેની ચર્ચા અને તેના ભાવિ ઉપયોગ માટેની મહત્ત્વની આ રાષ્ટ્રીય બેઠકમાં એગ્રીકલ્ચરલ સાયન્ટિસ્ટ રિક્રુટમેન્ટ બોર્ડ-   નવી દિલ્હીના અધ્યક્ષ ડો.ગુરબચનસિંહ, સેન્ટ્રલ ઈન્સ્ટિટયૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ-બિકાનેરના વડા ઉપરાંત એનડીડીબી જેવી સંસ્થાઓ અને આણંદ કૃષિ યુનિવર્સિટી સહિતની રાજ્ય, દેશની કૃષિ યુનિવર્સિટીઓના વડા-પ્રતિનિધિઓ અને તજજ્ઞો હાજર રહેશે. કચ્છ યુનિવર્સિટીના કોન્ફરન્સ હોલમાં 16/1ના સવારે 10 વાગ્યાથી શરૂ થનારી આ રિવ્યૂ બેઠક 18/1 એમ ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં અંતિમ દિને તજજ્ઞો ફિલ્ડ વિઝિટ કરશે એમ ડો. દેવીદયાલે જણાવ્યું હતું.