એકલનું સફેદ રણ, અંજારની જેસલ-તોરલ સમાધિની પ્રવાસન ખાતાને જાણ જ નથી ?
ગાંધીધામ, તા. 11 : રાજ્યના પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ કચ્છમાં ગાંધીધામ ખાતે સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું. પૂર્વ કચ્છના પ્રવાસન સ્થળોને વિકસાવવા માટેના હેતુથી આ આયોજન કરાયું હતું પરંતુ પતંગ મહોત્સવ સ્થળે પૂર્વ કચ્છના પ્રખ્યાત સ્થળોની વિગતો દર્શાવતો સ્ટોલ શુદ્ધાં રાખવામાં આવ્યો  નહોતો. તાજેતરમાં ગાંધીધામ ખાતે પ્રવાસન નિગમ દ્વારા રોડ શોનું આયોજન  કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કચ્છના પ્રવાસન સ્થળોને વિશ્વના નકશા ઉપર સ્થાન મળે તે હેતુ હોવાનું જણાવાયું  હતું. દિલ્હીમાં રાજઘાટ બાદ આદિપુર ખાતેની ગાંધી સમાધિ, અંજારની પ્રસિદ્ધ જેસલ-તોરલ સમાધિ, મંદિર, પ્રસિદ્ધ તીર્થધામ જોગણીનાર, ભચાઉ તાલુકામાં એકલ માતાજીનું મંદિર, એકલનું રણ સહિતના સ્થળોને પ્રવાસનધામ તરીકે વિકસાવવા પ્રવાસન નિગમ દ્વારા આજ દિન સુધી રસ દાખવાયો ન હતો પરંતુ તાજેતરમાં યોજાયેલા રોડ શોમાં આ સ્થળોને વિકસાવવાની ખાતરી અપાઇ હતી. પૂર્વ કચ્છના પ્રવાસનધામોના પ્રચાર-પ્રસાર અંતર્ગત પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. આ મહોત્સવમાં અનેક સ્ટોલ ઊભા કરાયા હતા તે પૈકીના કેટલાક ખાલી હતા. પૂર્વ કચ્છના પ્રવાસન ધામની માહિતી દર્શાવતો એકપણ સ્ટોલ ન હતો.આ અંગે પ્રવાસન નિગમના અધિકારીને પૂછતાં તેમણે કિટ અપાઇ હોવાનું જણાવ્યું હતું પરંતુ પ્રવાસન નિગમની કિટમાં ગુજરાત અને પશ્ચિમ કચ્છના સ્થળો અને પૂર્વ કચ્છના ધોળાવીરાનો જ ઉલ્લેખ હતો. ગાંધી  સમાધિ, જેસલ-તોરલની સમાધિ સહિતના અન્ય સ્થળોનો ઉલ્લેખ સુદ્ધાં જણાયો ન હતો.