અંજારમાં આહીર સમાજ દ્વારા જેનેરિક દવાનો સ્ટોર શરૂ થશે
ભુજ, તા. 11 : જેનેરિક દવા દરદીઓ માટે સસ્તી પડતી અને રાહતરૂપ હોવાથી જેનેરિક દવાનો ઉપયોગ વધ્યો છે, ત્યારે અંજાર ખાતે આહીર સમાજ દ્વારા જેનેરિક દવાનો મેડિકલ સ્ટોર શરૂ થવા જઇ રહ્યો છે. આ મેડિકલ સ્ટોરમાં નહીં નફો, નહીં નુકસાનના ધોરણે તમામ સમાજ માટે ચલાવવામાં આવશે. કચ્છ આહીર મંડળના પ્રમુખ બાબુભાઇ બી. હુંબલના પ્રયાસોથી આ મેડિકલ સ્ટોર શરૂ કરવામાં સફળતા મળી છે. જેનું  અંજાર ખાતે આહીર બોર્ડિંગમાં તા. 29-1ના સંતગણના હસ્તે ઉદ્ઘાટન થશે. બાબુભાઇ હુંબલે જણાવ્યું કે, આહીર સમાજમાં શિક્ષણ જાગૃતિ આવી રહી છે પરંતુ મેડિકલ ક્ષેત્રે યોગ્ય જાગૃતિના અભાવે ઘણી બીમારીઓનો ભોગ બનવું પડતું હોય છે ત્યારે હવે આ જેનેરિક દવાના મેડિકલ સ્ટોર થકી તમામ સમાજના લોકોને પણ આર્થિક ફાયદો થશે. મેડિકલ સ્ટોરમાં દવાના વેચાણમાં કોઇ જ નફો રાખવામાં નહિ આવે અને માત્ર દર્દીઓને રાહતભાવે દવા મળે તે ઉદ્દેશ્ય રહેશે. આમ, હવે અંજાર આહીર બોર્ડિંગના શિક્ષણની સાથે તબીબી સેવાની પણ જ્યોત શરૂ થશે.