લક્ષ્મીજી પહેલાં સરસ્વતી ઉપાસક થવું જરૂરી
લક્ષ્મીજી પહેલાં સરસ્વતી ઉપાસક થવું જરૂરી ગાંધીધામ, તા. 11 : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2017ના ઉપલક્ષ્યમાં અહીંની પાલિકા દ્વારા પુસ્તકમેળા-2017ને ખુલ્લો મૂકતાં ઊર્જાવાન વક્તા જય વસાવડાએ પુસ્તકો જાદૂની છડી છે, લક્ષ્મીજી પહેલાં સરસ્વતીના ઉપાસક હોવું અનિવાર્ય છે, તેવું જણાવ્યું હતું. શહેરના પંડિત દીનદયાલ હોલમાં આયોજિત આ પુસ્તકમેળા પ્રસંગે વક્તા શ્રી વસાવડાએ કચ્છના લોકોની વૃત્તિ સરસ છે અને તેમના હૃદય ભીના હોવાનું કહ્યું હતું. વર્ષો પહેલાં કચ્છની વાત આવતી ત્યારે પાણીની સમસ્યા નજર સામે આવતી પરંતુ જ્યારે કચ્છને જોયું ત્યારે ખબર પડી કે અહીંના માણસો બહુ પાણીદાર છે. દેશમાં કાંઇક નવું કરવું ખૂબ અઘરું કામ છે. તેજસ્વી અને ઇકો ફ્રેન્ડલી કૃષ્ણને પણ યાદવાસ્થળી જોવાનો વારો આવ્યો હતો. આપણો સમાજ ગ્રાહકનો સમાજ છે, જેથી વિદેશી કંપનીઓ ધનાઢ્ય થતી જાય છે, જેથી નવા વિચારો, ટેકનોલોજી, શોધખોળો કરીને આપણા સમાજને સર્જકોનો સમાજ બનવાની જરૂરત હોવાનું ઉમેર્યું હતું. અગાઉ લક્ષ્મીપુત્રોનો જમાનો હતો, હવે સરસ્વતીપુત્રો તેને ટેકણ કરવા લાગ્યા છે. પુસ્તકોથી કલ્પનાશક્તિ ખીલે છે. નાના-નાના દેશો પણ આવી શક્તિથી આગળ આવી રહ્યા છે. વક્તૃત્વ, લેખન, ચિંતન માટે પુસ્તકો જાદૂની છડી છે માટે નીડર નહીં બનો તો ક્યારેય લીડર નહીં બની શકો. પરિચયમાં સાહિત્ય, વિચાર, વાંચનની કદર છે તો આપણે અહિયા ખોટી-ખરાબ વૃત્તિ અને પ્રવૃત્તિ નડે છે. આ સદી મસલ પાવરની નહીં માઇન્ડ પાવર (જ્ઞાન)ની સદી હોવાનું તેમણે ઉમેર્યું હતું. પુસ્તકમેળાની શરૂઆતમાં જય વસાવડા સાથે જી.ડી.એ. ચેરમેન મધુકાન્તભાઇ શાહ, પાલિકા અધ્યક્ષા ગીતાબેન ગણાત્રા, ભાજપ શહેર પ્રમુખ દીપક પારેખ, પાલિકાના કારોબારી ચેરમેન તારાચંદ ચંદનાની, લાયબ્રેરી સમિતિના ચેરમેન ગૌરીબેન પરમાર, દંડક ઘેલાભાઇ ભરવાડા દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમેળો જાહેર જનતા માટે તા. 13/1 સુધી ખુલ્લો રહેશે.