19મીએ કચ્છ નવપલ્લવ ટ્રસ્ટ પ્રેરિત માધાપર જોગી સમાજના સમૂહલગ્ન

માધાપર (તા. ભુજ), તા. 11 : અહીંના કચ્છ નવપલ્લવ ટ્રસ્ટ પ્રેરિત માધાપર જોગી સમાજ દ્વારા આગામી તા. 19ના યક્ષ મંદિર ખાતે સમૂહલગ્નનું આયોજન કરાયું છે, જેમાં 14 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. આ સમૂહલગ્ન પ્રસંગે ગઢશીશાના ચંદુમા અને માધાપર આર્ષ અધ્યયન કુટિરના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી આશીર્વચન આપશે. આ સમૂહલગ્નમાં નવદંપતીઓને શુભાશિષ પાઠવવા ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી જયંતીભાઇ કવાડિયા, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી. પટેલ, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ, પછાત વર્ગ વિકાસ નિગમ લિ.ના વાઇસ ચેરમેન પ્રદીપભાઇ વાળા, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, તારાચંદભાઇ છેડા, પંકજભાઇ મહેતા, પૂર્વ ધારાસભ્યો મુકેશભાઇ ઝવેરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સંસ્કૃત પાઠશાળા-સુખપરના ગુરુજનો તથા પ્રાચ્ય છાત્ર મંડળના ભૂદેવો સમૂહલગ્નમાં કોઇ જાતની દક્ષિણા વિના લગ્નવિધિ કરાવશે. સમૂહલગ્નોત્સવના ભોજનના દાતા ધર્મેન્દ્રભાઇ રામજીભાઇ ગણાત્રા અને નીરજભાઇ હરેશભાઇ દરજી રહેશે તેમજ કરિયાવર, કન્યાદાન, મંડપ, પત્રિકા, વીડિયો શૂટિંગ વગેરેના વિવિધ દાતાઓનો સહયોગ મળ્યો છે. આયોજન માટે કચ્છ નવપલ્લવ ટ્રસ્ટની ટીમ, માધાપર જોગી સમાજ તેમજ નવપલ્લવ જોગી મહિલા મંડળના પ્રમુખ હેમલતાબેન જોગી જહેમત    ઉઠાવી રહ્યા છે તેવું નવપલ્લવ સંસ્થાના અધ્યક્ષ હિતેશ ખંડોરે જણાવ્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer