કૌશલ્યવર્ધન યોજનામાં તાલીમ આપવા આવનારા મોડા પગારથી મુશ્કેલીમાં
ભુજ, તા. 11: સરકાર દ્વારા યુવાનો તથા યુવતીઓને સ્વનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે  ચાલતા કૌશલ્યવર્ધન કેન્દ્રમાં 3-4 માસ સુધી પગાર ન મળતાં વિવિધ કાર્યની તાલીમ આપવા આવનારાની હાલત કફોડી બનતી હોવાની ફરિયાદ ઊઠી છે. આ મુદ્દે અનેકે નોકરી પણ છોડવી પડી છે.  આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભુજમાં અનેક સંસ્થાના નેજા હેઠળ તાલીમકેન્દ્ર ચાલે છે, જેમાં યુવતીઓ અને યુવાનોને સ્વનિર્ભર બનાવવા તાલીમ અપાય છે. તાલીમ આપવા આવનારાને પગાર આઇ.ટી.આઇ. મારફતે કરાતો હોય છે, જે 3થી 4 માસ બાદ થતો હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જાય છે.  એક તરફ સરકાર યુવાઓને સ્વનિર્ભર બનાવવા યોજનાઓ બહાર પાડી રહી છે, ત્યારે પગાર મોડો મળવાથી અનેક લોકો કંટાળીને નોકરી મૂકી રહ્યા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર-પાંચ માસ અગાઉ વડોદરામાં પણ આવી યોજના પાછળ મોટા ગોટાળા બહાર આવ્યા હતા અને ત્યારબાદ જ સરકાર દ્વારા સંસ્થાઓ મારફતે નહીં પણ જે-તે શહેરની આઇ.ટી.આઇ. દ્વારા  પગાર આપવા નક્કી કરાયું હતું.  ભુજ સહિત સમગ્ર કચ્છમાં આવા અનેક તાલીમકેન્દ્રો ધમધમે છે ત્યારે ક્યાંક અડધો પગાર આપી અને પૂરા પગાર પર સહીઓ તો નથી કરાવાતીને તેની તપાસ જરૂરી બની છે. મોડા પગાર મુદ્દે ભુજ આઇ.ટી.આઇ.ના શ્રી ચોટાઇનો સંપર્ક થઇ શક્યો નહોતો.